શહેરમાં લુખ્ખા ત્તત્વોનો આંતક વધી રહ્યો છે. જ્યુબીલી ગાર્ડનમાં પડ્યા પાથર્યા રહેતા અસામાજિક તત્વો અવાર નવાર નિર્દોશ લોકો સાથે ઝઘડો કરી મારામારી કરતા હોય છેે. ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. આજીડેમ ચોકડી પાસે રહેતો અને આર્મીમા જવાની તૈયારી કરતો કોલેજીયન યુવાન મિત્રો સાથે જ્યુબીલી ગાર્ડનમાં આવેલી લાયબ્રેરીએ ગયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ ‘તે આર્મીમેન જેવા વાળ કેમ રાખ્યા છે’ તેમ કહી છરીના ઘા ઝીંકી દેતા ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક ગજેરા પાર્કમાં રહેતો અને જસાણી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો કેયુર જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.19)નામનો યુવાન આજે સવારે તેના મિત્રો સાથે જ્યુબીલી ગાર્ડમાં આવેલા લાયબે્રેરીએ ગયો હતો. ત્યારે લાયબ્રેરી બહાર કૌશીક અને તેની સાથેના બે શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં કેયુર કોલેજમાં અભ્યાસ કરવાની સાથે આર્મીમાં જવાની તૈયારી કરતો હોય અને તેને આર્મીમેન જેવા વાળ રાખેલા હોય આજે સવારે તે મિત્રો સાથે કોલેજના કામ અર્થે જ્યુબીલી ગાર્ડનમાં આવેલી લાયબ્રેરીએ ગયો હતો.
દરમિયાન આરોપીઓએ ‘તે આર્મીમેન જેવા વાળ કેમ રાખ્યા છે, તને બહુ હવા છે’ તેમ કહી પડખા અને માથાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. બનાવની જાણ થતા પીસીઆર વાનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને એક હુમલાખોરને સંકજામાં લઇ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો છે.. આ અંગે પોલીસે કોલેજીયન યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
