રાજકોટની ઘટના; કૌટુંબિક ભાઈ સાથે રૂમ રાખીને અભ્યાસ કરતા બાબરા પંથકના સગીરની તબિયત લથડતાં સારવારમાં ખસેડાયો
રાજ્યભરમાં ભારવીનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓ આત્મહત્યા અને આપઘાતના પ્રયાસો કરતાં હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ભણવાની તમન્ના સાથે યુવાને સ્કૂલે જવા પેટનો દુ:ખાવો મટાડવા દવાના વધુ પડતાં ટીકડા ખાઈ લેતાં સારવાર માટે દાખલ કરવો પડયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મુળ બાબરા પંથકનો વતની અને હાલ રાજકોટમાં કૌટુંબીક ભાઈ સાથે રૂમ રાખી ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતાં સગીરને પેટમાં દુખતું હતું પરંતુ સ્કૂલે જવું અગત્યનું હોવાથી સગીરે પેટનો દુ:ખાવો મટાડવા માટે પેરાસીટામોલની એક સાથે 10 ગોળી ખાઈ લીધી હતી. સગીરની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બાબરા પંથકનો વતની અને હાલ રાજકોટમાં અંકુર મેઈન રોડ પર આવેલ સ્વામીનારાયણ ચોકમાં રહેતો 16 વર્ષનો સગીર બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પેરાસીટામોલની 10 ગોળીઓ એક સાથે ખાઈ લીધી હતી. સગીરની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. માલવીયાનગર પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા સગીરની પુછપરછ કરી તેનું નિવેદન નોંધ્યું હતું.પ્રાથમિક પુછપરછમાં સગીર મુળ બાબરા પંથકનો વતની છે અને હાલ રાજકોટમાં કૌટુંબીક ભાઈ સાથે રૂમ રાખીને ધો.11 સાયન્સમાં અભ્યાસ કરે છે. સગીરને પેટમાં દુ:ખતું હતું. પરંતુ સ્કૂલે જવું અગત્યનું હોવાથી પેટનો દુ:ખાવો મટાડવા એક સાથે દવાની 10 ગોળીઓ ખાઈ લેતાં તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
