ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનો

136 લોકોને બે કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, 3થી 10 ટકા વ્યાજ વસુલવામાં આવતું હતું સત્તા જોરે વાસાવડ ખાતે છ વીઘા સરકારી…

136 લોકોને બે કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, 3થી 10 ટકા વ્યાજ વસુલવામાં આવતું હતું

સત્તા જોરે વાસાવડ ખાતે છ વીઘા સરકારી જમીન પર ફાર્મ હાઉસ બનાવી દીધું!: લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવા તજવીજ

રાજકોટ જિલ્લામાં સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અસ્ફાક મેમણ સહિત બે લોકો સામે વ્યાજખોરી કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી અસ્ફાક સલાટ અને કાળું સલાટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા તેમના કબ્જામાંથી વધુ 375 કોરા ચેક મળી આવતા તમામ 136 ભોગ બનનારને પોતાના ચેક પરત અપાવ્યા છે. આરોપીઓએ 136 લોકોને અંદાજિત 2 કરોડ રૂૂપિયા 3 થી 10 ટકાના વ્યાજે આપ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા વાસાવડ ગામ ખાતે 6 વીઘા સરકારી જમીન પર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવ્યું હોવાનું સામે આવતા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ફરિયાદી જીતેશભાઈ સતાણીએ જણાવ્યું હતું કે તેમને અસ્ફાક સલાટ પાસેથી રૂૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા જે પૈકી 70,000 ચૂકવી આપ્યા હોવા છતાં અસ્ફાક સલાટ જાનથી મારી નાખવા ધમકી આપતો હતો આ પછી પોલીસે તપાસ કરતા તેના કબ્જામાંથી 375 ચેક મળી આવ્યા હતા જે 136 લોકોના હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ 136 લોકોનો સંપર્ક કરી 375 ચેક પરત અપાવવામાં આવ્યા છે. આરોપી દ્વારા 3થી 10% વ્યાજ વસુલવામાં આવતું હતું અને મોટા ભાગે તેમના ગામના અને નજીક આસપાસના લોકોને રૂૂપિયા વ્યાજે આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને આ પછી ત પોતે કોરા ચેક મેળવી પરત કરતા ન હતા. આથી આજ રોજ આરોપીની ધરપકડ કરી તમામ 375 ચેક 136 લોકોને પરત કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં આરોપી દ્વારા વાસાવડ ગામ ખાતે સરકારી જગ્યા પર 6 વીઘા જમીનમાં એક ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે જેથી આ દબાણ દૂર કરવા અને અલગથી તેમના વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે જે મંજૂરી મળ્યા બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આરોપી વિરુદ્ધ અગાઉ અલગ અલગ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.

વ્યાજખોરી સામે પોલીસ અધિકારીઓએ નંબર જાહેર કર્યા
વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ લોકોને ખાસ અપીલ કરી હતી કે, લોકો ક્યારે પણ કોઈ વ્યકતિને કોરા ચેક આપવા ન જોઈએ કારણ કે કોરા ચેકનો દુરુપયોગ કરી ખોટી રીતે પરેશાન કરવામાં આવી શકે છે અને ખોટી ફરિયાદ પણ કરી શકે છે માટે કોઈને કોરા ચેક ન આપવા અને વ્યાજખોરો પરેશાન કરતા હોય અથવા ધાક ધમકી આપતા હોય તો સીધા પોલીસ સ્ટેશન, અથવા જઙ ઓફિસ રૂબરૂ જિલ્લા પોલીસ વડા તેમજ DYSP કક્ષાના અધિકારીને રજુઆત કરી શકે છે. આ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને સીધો સંપર્ક આ નંબર પર કરવા જાણ કરવામાં આવી છે.
(1) વિજયસિંહ ગુર્જર, જિલ્લા પોલીસ વડા મો.નં.9978405080
(2) સિમરન ભારદ્વાજ, ASP ધોરાજી મો.નં. 9213000434
(3) નવીન રેપુડી, ASP જસદણ મો.નં. 9494965259
(4) કે જી ઝાલા, DYSP ગોંડલ મો.નં. 9978407095
(5) આર એ ડોડીયા, DYSP જેતપુર મો.નં. 9978408188

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *