મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળી

સમાધાન માટે ભેગા થયા બાદ મામલો બિચકયો, છરીઓ ઉડતા અન્ય ચાર ઘવાયા મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવાના મામલે ત્રણ યુવાનો ઉપર ખુની હુમલો કરવામાં આવ્યો…

સમાધાન માટે ભેગા થયા બાદ મામલો બિચકયો, છરીઓ ઉડતા અન્ય ચાર ઘવાયા

મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવાના મામલે ત્રણ યુવાનો ઉપર ખુની હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકની લોથ ઢળી હતી. આ બઘડાટીમાં બન્ને જુથનાં 4 શખ્સોને ઇજા થવા પામી છે.

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતો યુવાન તે જ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન થઈ ગયા પછી પણ તેને મોબાઈલમાં મેસેજ કરતો હતો જે બાબતે યુવતીએ યુવાનને સમાધાન કરવા માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કોલસાના ડેલા પાસે બોલાવેલ હતો. જેથી યુવાન તેના બે ભાઈ સાથે ત્યાં ગયો હતો ત્યારે ફોનમાં કરેલા મેસેજ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે યુવતીના ભાઈએ યુવાનને પેટના ભાગે તિક્ષણ હથિયારનો ઘા મારી દીધો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલ યુવાન અને તેના બે ભાઈ સહિતના પાંચ ઇજા ગ્રસ્તોને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું.

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી આમરણ બાજુ જવાના રસ્તા ઉપર આવેલ કુલદીપભાઈના કોલસાના ડેલા પાસે આ બનાવ બન્યો હતો જેમાં આસિફભાઇ ઇલિયાસભાઈ દલ (26), હુસેનભાઈ ઈબ્રાહીમભાઇ સાઇચા (29), અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોટા (30), સુલતાનભાઇ અબ્દુલભાઈ સોટા (38) અને હસનભાઈ અબ્દુલભાઈ સોટા (30) રહે. બધા નવી નવલખી વાળાને ઈજા થઈ હોવાથી પાંચેય વ્યક્તિઓને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોટા નામના યુવાનને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.

વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોટા નામનો યુવાન તે જ વિસ્તારમાં રહેતા આસિફભાઇ ઇલ્યાસભાઈ દલના બહેનના લગ્ન થઈ ગયા છે તો પણ તેને ફોનમાં મેસેજ કરતો હતો જેથી તે યુવતીએ તેના ભાઈ અને પતિને આ બાબતની વાત કરી હતી જેથી મોબાઈલ ફોનમાં મેસેજ કરવા બાબતે સમાધાન કરવા માટે અબ્બાસભાઈ સોટાને પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કુલદીપભાઈના કોલસાના ડેલા પાસે બોલાવેલ હતો જેથી તે પોતાના બે ભાઈને સાથે લઈ ત્યાં ગયો હતો ત્યારે સમાધાનની વાત વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી આ બનાવમાં સ્થળ ઉપર હાજર રહેલા પાંચેય વ્યક્તિઓને ઈજા થઈ હતી જેમાં અબ્બાસભાઈ સોટાને પેટના ભાગે તિક્ષણ હથિયાર મારી દેતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું છે અને આ બનાવ હત્યામાં પલટયો છે. જેથી મોરબી તાલુકા પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *