સામાજિક દૂષણ બની ગયેલા વ્યાજખોરીના અજગરભરડાએ વેપારીનો માળો વિખેરી નાખ્યો છે. ઉપલેટાથી વ્યાજખોરોના ડરથી ભાગીને હિજરત કરી કુતિયાણા રહેવા ગયેલા વેપારીએ વ્યાજ ખોરોના ત્રાસ અને માનસિક ત્રાસ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને મકાન પચાવી પાડતા વેપારીએ કંટાળીને સપ્તાહ પૂર્વે ઉપલેટાના સરદારગઢ ગામે સ્મશાન પાસે ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વેપારીનું મોત થયું હતું. આ આપઘાત બનાવ અંગે ઉપલેટા પોલીસમાં 5 નામીચા વ્યાજખોરો સામે ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ મૂળ ઉપલેટાના ખાખીજાળીયા રોડ, સોનલ નગરના વતની અને હાલ કુતિયાણા ખાતે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હરેશભાઈ મનસુખભાઈ સોલંકી (ઉં.વ. 30)એ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ, આજથી ચાર વર્ષ પહેલાં તેઓ ઉપલેટા ખાતે રહેતા હતા ત્યારે તરબૂચના વેપાર અર્થે તેમને નાણાંની જરૂૂરિયાત ઊભી થઈ હતી. આ માટે તેમણે ખાખીજાળીયાના સાગર બાવનજીભાઈ સુવા પાસેથી રૂૂ. 30,000 માસિક રૂૂ. 2,000ના ઊંચા વ્યાજે લીધા હતા.
સતત 7 થી 8 મહિના સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યા છતાં મૂળ રકમ અને વધતું વ્યાજ ભરવું અશક્ય બનતા હરેશભાઈ વ્યાજના દૂષણમાં ઊંડા ઊતરતા ગયા. પ્રથમ વ્યાજખોરનું વ્યાજ ચૂકવવા માટે હરેશભાઈએ મનસુખભાઈ લખમણભાઈ મકવાણા (રહે. ઉપલેટા) પાસેથી રૂૂ. 15,000 દૈનિક રૂૂ. 300ના રાક્ષસી વ્યાજે લીધા હતા. આ ચક્રવ્યૂહ અહીં ન અટકતા, તેમણે નાથાભાઈ પ્રમુખ આહીર પાસેથી રૂૂ. 10,000 (મહિને રૂૂ. 2,000 વ્યાજ), ઈકબાલભાઈ મુસ્લિમ પાસેથી રૂૂ. 10,000 (રોજના રૂૂ. 200 વ્યાજ) અને સંજયભાઈ સીંગડીયા પાસેથી રૂૂ. 10,000 (મહિને રૂૂ. 2,000 વ્યાજ) લેવાની ફરજ પડી હતી. આમ, માત્ર થોડા રૂૂપિયાની મૂળ રકમ સામે દૈનિક અને માસિક ધોરણે હજારો રૂૂપિયાનું અસહ્ય વ્યાજ ચૂકવી ચૂકવીને યુવક સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.
વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને હરેશભાઈ પોતાનું મૂળ વતન ઉપલેટા છોડીને પરિવાર સાથે કુતિયાણા ખાતે મજૂરી કરવા જતા રહ્યા હતા. પરંતુ માનવતા નેવે મૂકી વ્યાજખોરોએ ત્યાં પણ તેમનો પીછો છોડ્યો નહોતો. વ્યાજખોર સાગર બાવનજીભાઈ સુવાએ હરેશભાઈના ઉપલેટા સ્થિત મકાનનો ગેરકાયદેસર રીતે કબ્જો હડપ કરી લીધો હતો. તેમજ ઈકબાલ મુસ્લિમ દ્વારા ફોન પર વારંવાર ગાળો આપીને વ્યાજના નાણાં ન ચૂકવે તો જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ આપવામાં આવતી હતી. અન્ય આરોપીઓ પોતાના સાગરીતો અને વચેટિયાઓ મારફતે અવારનવાર ઉઘરાણી કરાવતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા.
તમામ વ્યાજખોરોના સતત દબાણ, આર્થિક શોષણ અને ધમકીઓથી કંટાળી ગયેલા હરેશભાઈ સોલંકી તા. 22/07/2026ના રોજ સરદારગઢ ગામે સ્મશાન પાસે પહોંચ્યા હતા અને ત્યાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં જ તેમને તુરંત સારવાર અર્થે પ્રથમ ઉપલેટા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું ટુકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે હરેશભાઈનું મરણોન્મુખ નિવેદન લીધું હતું જેના આધારે સાગર બાવનજીભાઈ સુવા (રહે. ખાખીજાળીયા),મનસુખભાઈ લખમણભાઈ મકવાણા (રહે. ઉપલેટા),નાથાભાઈ પ્રમુખ આહીર (રહે. ઉપલેટા),ઈકબાલભાઈ મુસ્લિમ (રહે. ઉપલેટા) અને સંજયભાઈ સીંગડીયા (રહે. ઉપલેટા કોર્ટ પાસે)સામે બળજબરીથી નાણાં પડાવવા, ગેરકાયદે કબ્જો કરવો, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
