ગોંડલના મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા અમૃત ગેસ્ટ હાઉસમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓનો રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ચલાવતા સંચાલક સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. એચ. શુકલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગોંડલ બસ સ્ટેશન સામે આવેલ ’અમૃત ગેસ્ટ હાઉસ’ના બીજા માળે કેટલાક શખ્સો પોતાના આર્થિક લાભ માટે બહારથી આવતા ગ્રાહકોને દેહસુખ ભોગવવા માટે પુરતી સુવિધા પૂરી પાડી રહ્યા છે.
આ બાતમીના આધારે સાંજના સુમારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ દ્વારા બહારથી અલગ-અલગ મહિલાઓને બોલાવી, તેમને ગ્રાહકો સાથે શારીરિક સુખ ભોગવવા માટે ગેસ્ટ હાઉસના રૂૂમોમાં મોકલવામાં આવતી હતી. આ બદલામાં ગ્રાહકો પાસેથી રોકડ રકમ લેવામાં આવતી અને સંચાલકો પોતાનું કમિશન રાખી દેહવ્યાપારનો ધંધો ચલાવતા હતા.
પોલીસે સ્થળ પરથી ગોંડલનાં હરેશ હનિક લિંબાસિયા, દશરથલાલ દિલીપલાલ રાઠોડ તથા સંચાલક સામે ગુનો નોંધી ઘટનાસ્થળેથી દેહવ્યાપારના ધંધામાં ઉપયોગમાં લેવાયેલ રોકડ રકમ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂૂા. 15,400 નો મુદામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓ વિરુદ્ધ ઇમમોરલ ટ્રાફિકપ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3(1), 4(1), 5(1)(એ), 5(1)(ડી) મુજબ ગુનો નોંધી સિટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
