ગોંડલ નગરપાલિકા માં વર્તમાન બોડીની અંતિમ બજેટ બેઠક મળી હતી.જેમા 15 કરોડ ની પુરાંત સાથેનું વિવિધ વિકાસ કાર્યોને આવરી લેતું 250 કરોડ નું બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું. ગોંડલ ને આધુનિક અને ગતિશીલ બનાવતા ફુલગુલાબી બજેટ ને બેઠક માં ઉપસ્થિત તમામ સદસ્યો એ હર્ષ ભેર આવકાર્યુ હતું.
નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી ની અધ્યક્ષતા માં નગરસેવા સદન બાજપાઈ ભવન નાં કોન્ફરન્સ હોલ માં મળેલી બેઠક માં કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજાએ અગીયાર એજન્ડા સાથેનું વર્તમાન બોડી ની ટર્મ આગામી મહીનાં પુરી થતી હોય અંતિમ બજેટ રજુ કર્યુ હતુ.
ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બજેટ માં દશ કરોડ નાં ખર્ચે ટ્રીમ વોટર ડ્રેનેજ નું કાર્ય, દશ કરોડ નાં ખર્ચે ગોંડલી નદી પર રિવરફ્રન્ટ, તેર કરોડ નાં ખર્ચે બિક્સ કલ્વર્ટનું કામ, વીસ કરોડ નાં ખર્ચે શહેરી સડક યોજના,સાત કરોડ નાં ખર્ચે ઇ-લાયબ્રેરી નું કામ,અગીયાર કરોડ નાં ખર્ચે આઉટ ગ્રોથ વિસ્તાર રીડ, પાંચ કરોડ રુફટોપ સોલાર પાર્ક, પાંચ કરોડ નાં ખર્ચે આઇકોનીક રોડ,દશ કરોડ નાં ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સત્યાવીસ કરોડ નાં ખર્ચે અમૃત સીટી યોજના સહિત નાં વિકાસશીલ પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે.
ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે ગોંડલ નાં દુરંદેશી પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહ ને યાદ કરી તેમની પ્રજાલક્ષી પરંપરાને ભાજપ ની વર્તમાન બોડીએ આગળ ધપાવી પાંચ વર્ષ માં કાર્યો કર્યાનું જણાવી અંતિમ બેઠક માં સદસ્યો સહિત નો આભાર વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા, વરિષ્ઠ આગેવાન પૃથ્વીસિંહ જાડેજા સહિત તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય કે નગરપાલિકાની ગત ચુંટણી માં ગોંડલ નાં તમામ અગીયાર વોર્ડ માં ભાજપ નાં ઉમેદવારો ચુંટાઇ ને વિપક્ષનો સફાયો કર્યો હતો.અને પ્રથમવાર વિપક્ષ વિહીન નગરપાલિકા બની હતી.આગામી મહીનાઓ માં નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે.ત્યારે આજે મળેલી બજેટ સાથે ની જનરલ બોર્ડ ની બેઠક અંતિમ બની રહી હતી.
