અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાંથી એક ચોંકાવનારી અને ગુણવત્તાના સવાલો ઉઠાવતી ઘટના સામે આવી છે. લામધાર નદીના પરાવિસ્તારને જોડવા માટે માત્ર પાંચ લાખ રૂૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાય તે પહેલાં જ પત્તાના મહેલની જેમ બેસી ગયો છે.
જણાવીએ કે માંડ દસેક દિવસ પહેલા જ આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. પરંતુ માટીકામ ચાલુ હતું ત્યારે જ આખો પુલ ધરાશાયી થઈ ગયો. આ ઘટનાથી વિકાસ કામોની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિક ગ્રામજનોનો સીધો આરોપ છે કે પુલના નિર્માણમાં અત્યંત હલ્કી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. આ કારણે જ નવનિર્મિત પુલ એકાએક ધરાશાયી થયો છે. ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે, આવા નકામા કામ માટે લાખો રૂૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ પુલ તો ખુલ્લો કરતા પહેલા જ તૂટી પડ્યો. આમાં કોઈની મિલીભગત હોવી જોઈએ.
અત્યારે સ્થાનિકો આ મામલે તાત્કાલિક અને નિરપેક્ષ તપાસ કરવા તથા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી.
ભ્રષ્ટાચાર કે ખામી
માત્ર ગણતરીના દિવસોમાં પુલનું બેસી જવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ ઘટના એન્જિનિયરિંગની મોટી ખામી છે કે પછી મસમોટો ભ્રષ્ટાચાર? તે હવે તપાસનો વિષય બન્યો છે. સ્થાનિકોએ એક અવાજે માંગ કરી છે કે આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટરકે જવાબદાર અધિકારી હોય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
