ભાજપના જ નગરસેવક ખોલશે રોડની પોલ, વિપક્ષ માપશે દુષ્કાળના વર્ષમાં આયોજનનું ‘પાણી’

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી શનિવારે મળનાર જનરલ બોર્ડમાં ભાજપના 7 અને કોંગ્રેસ તરફથી 3 મળીને કુલ 23 જેટલા મુદ્દાઓને લઇને વહીવટી વિભાગ પાસેથી વિગતો માગવામા આવી…

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી શનિવારે મળનાર જનરલ બોર્ડમાં ભાજપના 7 અને કોંગ્રેસ તરફથી 3 મળીને કુલ 23 જેટલા મુદ્દાઓને લઇને વહીવટી વિભાગ પાસેથી વિગતો માગવામા આવી છે. પ્રશ્નોતરી સેશન હવે તમામ નગરસેવકોને તેમણે રજુ કરેલા પ્રશ્નોની ચર્ચા કરવાની તક મળે તે માટે લાંબો સમય સુધી ચાલે છે. આગામી આ જનરલ બોર્ડમાં રોડના અપાતા કામના કોન્ટ્રાક્ટમાં મલાઇનો કડદો નીકળે તેવી પ્રબળ સંભાવના સાથે ખુદ ભાજપના જ નગરસેવક એડવોકેટ રક્ષિત કલોલાએ રોડના કામના કોન્ટ્રાક્ટને લઇને સંબંધિત વિભાગ અને તેના અધિકારીઓ ઉપર ગાળિયો કસ્યો છે.

તો બીજીબાજુ દુષ્કાળના આ વર્ષમાં આવતા ચોમાસા સુધી શહેરની જનતાની તરસ છીપાવવા માટે તંત્ર પાસે શું આગોતરુ આયોજન છે? તે સંબંધી વિગતો વિપક્ષ કોંગ્રેસના નગરસેવકે માગી છે. જનરલ બોર્ડમાં મુકાયેલા મોટાભાગના સવાલોમાં વહીવટી વિભાગ એટલે કે કમિશનર વિભાગ બરોબરનો ભીડવાઇ જાય તેવા એકથી એક સચોટ અને પ્રજાલક્ષી સવાલોનો ચક્રવ્યુહ રચાયો છે. રોડ, પાણી ઉપરાંત ડ્રેનેજ ઉપરાંત અનેક પ્રાથમિક જરૂૂરિયાત અને માળખાકીય કામને લગતી વિગતો જનરલ બોર્ડમાં નગરસેવકો દ્વારા પુછવામા આવી છે.

અગ્રતાક્રમ મુજબ ક્યા નગરસેવકે કઇ વિગત માગી
રક્ષિતભાઇ કલોલા : રોડ અને પાઇપલાઇનના કામ માટેના કુલ કેટલા માન્ય કોન્ટ્રાક્ટર છે? તેમાથી કેટલાનો સમય પુર્ણ થયો છે અથવા તો રિન્યુ કરવામા આવ્યા નથી? કેટલા કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઇ છે? તેમાથી કેટલા સામે ક્યા પ્રકારના પગલાં લેવાયા છે? પાઇપલાઇનના કામ માટેના કેટલા માન્ય કોન્ટ્રાક્ટર છે?
રાજુભાઇ અઘેરા : શહેરના કેટલા પ્રવેશદ્વાર વિકસાવવાનુ આયોજન છે? પ્રવેશદ્વારના રસ્તાની હાલની સ્થિતિ શું છે? મનપાએ અત્યાર સુધીમાં કેટલી આવાસ યોજના બનાવી છે અને બની રહી છે? મનપાની માલિકીની કેટલી કોમર્શિયલ મિલકત છે? તેની ભાડાની આવક શું છે?
મહેશભાઇ પીપરિયા : વિવિધ વિસ્તારોમાં જયા સ્ટ્રીટલાઇટના નવા પોલ મનપાની રોશની વિભાગ ઉભા કરે છે ત્યા કોર્પોરેટરની ગ્રાન્ટ સિવાય મનપાના બજેટમાં અન્ય કોઇ જોગવાઇ છે? શહેરની ભુગર્ભ ગટરનું પાણી ખુલ્લા વોંકળા કે નદીમાં ઠલવાય છે તે રોકવા માટેનું આયોજન શું છે? મુંજકા, માધાપર સહિત મનપામાં ભળેલા નવા વિસ્તારોમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટેની સમય મર્યાદા કેટલી? અત્યાર સુધીમાં ક્યા વિસ્તારમાં કેટલી સુવિધા અપાઇ
ડો.રીંકલભાઇ મેઘાણી : વરસાદી વોટર હાર્વેસ્ટિંગ કામગીરી કેટલી સરકારી જગ્યામાં કરવમા આવેલી છે? રાજકોટ છેલ્લા 30 વર્ષથી આજી, નર્મદા અને ભાદર ડેમ આધારિત છે. હાલ 10 ગણી વસતી થઇ ગઇ છે તો નવો ડેમ બનાવવા માટેનું કોઇ આયોજન છે?
દિપ્તીબેન હરેશભાઇ સોલંકી(કોંગ્રેસ) : આવતા ચોમાસા સુધી પાણી વિતરણનું શું આયોજન છે? દુષ્કાળના આ વર્ષમાં નર્મદા નીર ઓછુ મળે તો વૈકલ્પિક આયોજન શું છે? છેલ્લા પાંચ વર્ષમાં કેટલા રસ્તા ડામર રિકાર્પેટ થયા? તેનો કુલ ખર્ચ કેટલો?
ઇબ્રાહીમભાઇ સોરા(કોંગ્રેસ) : મનપા પાસે હાલ કેટલા જેટિંગ મશીન છે? તેમા વપરાતુ પાણી ક્યા સ્થળેથી લેવામા આવે છે? મિલકતનો વેરો જો એક કરોડથી વધુ હોય તો તેનુ નળ કનેકશન કાપી શકાય?
સંજયભાઇ સાગઠિયા : વોર્ડ નં.18માં સફાઇ વ્યવસ્થા શું છે? મનપાન કામદાર કેટલા? ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ કઇ જગ્યાએ સફાઇ થાય છે?

પાડા ઉપર ફરી પાણી રેડાશે! જંગલેશ્વર કટકીકાંડમાં સીટની તપાસ અંગે વિપક્ષને ફરી સવાલ મુકવો પડ્યો
જંગલેશ્વરમાં થયેલા ઐતિહાસિક ડિમોલિશનની આડમાં લાખ રૂૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ છે. કાજુ-કતરી સહિત રજવાડી ભોજનિયા પિરસાયા, ચા-પાણી, મંડપ સહિતના અનેક કોન્ટ્રાક્ટ શંકાના દાયરામાં આવ્યા. છાપરે ચડીને છતા થયેલા આ ભ્રષ્ટાચાર માટે મેયર ડો.નેહલ શુક્લે સીટ(તપાસ કમિટી)ની રચના કરી ત્યારે એવુ વચન આપ્યુ હતુ કે, વહેલીતકે સીટની તપાસનો રિપોર્ટ જાહેર કરાશે. સીટમાં પણ કમિશનર સહિતના અધિકારી(ઘરના ભુવા ઘરના ડાકલા) રખાયા છે. સીટની તપાસ ક્યા ચાલે છે? ક્યારે પુરી થશે? શું રિપોર્ટ આવ્યો એ બધુ હજુ રહસ્ય જ છે. વિપક્ષ કોંગ્રેસ તરફથી નગરસેવક દિપ્તીબેન સોલંકીએ વધુ એકવખત સીટની તપાસને લગતી વિગત જનરલ બોર્ડ પાસે માગી છે.

પાછલી ટર્મના શાસકોએ સમાજ કલ્યાણના નામે કરેલા ખુદના ‘કલ્યાણ’નો 5 વર્ષનો હિસાબ વિપક્ષે માગ્યો
રાજકોટ મનપામાં જાહેર જનતાના લાભાર્થેના નામે સમાજ કલ્યાણ શાખા હસ્તક જે પણ કાર્યક્રમ થાય છે તેમા લાખો, કરોડો રૂૂપિયાનો વહીવટ થઇ જતો હોવાનું જગ જાહેર છે. પાછલી ટર્મમાં તો સમાજ કલ્યાણ હસ્તક થયેલા કાર્યક્રમોમાં કરોડો રૂૂપિયાના ખર્ચાઓએ પાછુ વળીને જોયુ નથી. ચાલુ ટર્મમાં કોંગ્રેસના નગરસેવિકા સુધાબા વાઘેલાએ જનરલ બોર્ડમાં તેનો હિસાબ માગ્યો છે.

ચીકન-મટન જાહેરમાં લટકાવવાની છૂટ છે? ભાજપના નગરસેવકે નોનવેજ માર્કેટ પર નાંખ્યો ગાળિયો
વોર્ડ નં.7ના ભાજપના નગરસેવક દર્શનભાઇ પેંગ્યાતરે પુછેલા સવાલમાં શહેરમાં કુલ કેટલા કતલાખાના છે? તેમાથી મનપા સંચાલિત કેટલા? પ્રાઇવેટ કેટલા? ગેરકાયદે કતલખાના સામે અત્યાર સુધીમાં કેવા પ્રકારના પગલાં લેવાયા? ચીકન-મટન સહિત કાપેલા માસ જાહેરમાં લટકાવવા કે ખુલ્લામાં રાખીને વેંચાણ કરવાની નિયમ મુજબ છુટ છે? છેલ્લા છ મહિનામાં નોનવેજના કેટલા ધંધાર્થીઓ સામે પગલા લેવાયા?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *