શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો અને ધો.3માં અભ્યાસ કરતો 9 વર્ષનો માસુમ બાળક પોતાના ઘર પાસે પતંગ ચગાવતો હતો ત્યારે ઘોડાએ લાત મારી હતી. માસુમ બાળકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા વિરલ વિનુભાઈ વાઘેલા નામનો 9 વર્ષનો માસુમ બાળક બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે પતંગ ચગાવતો હતો ત્યારે ઘોડાએ લાત મારતા માસુમ બાળકને ઈજા પહોંચી હતી. વિરલ વાઘેલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે બે મહિલા સહિત ત્રણ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં નાણાવટી ચોક પાસે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ભારતીબેન સતિષભાઈ અગ્રાવત નામના 45 વર્ષના પ્રોઢાએ પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના સમયે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે નવા થોરાળા વિસ્તારમાં રહેતી હેમાબેન અરવિંદભાઈ મકવાણા નામની 36 વર્ષની પરિણીતાએ બપોરના ફીનાઇલ ગટગટાવી લીધું હતું.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર આવેલ એકલવ્ય ટાઉનશિપમાં રહેતા રાહુલ જેરામભાઈ ઘમ્મર નામના 35 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર બંને મહિલા સહિત ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
