માળીયા હાટીનાના સરકડીયા ગામે રહેતા પરિવારના છ વર્ષનો માસુમ બાળક ઘર પાસે રમતો હતો ત્યારે વાછરડાએ કચડી નાખ્યો હતો. માસુમ બાળકનું છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસુમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના સરકડીયા ગામે રહેતા પરિવારનો ઋત્વીક જગદીશભાઈ પાદરકા નામનો છ વર્ષનો માસુમ બાળક ગત તા.23ના રોજ સાંજના સમયે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે વાછરડાએ છાતીના ભાગે પગ મુકી દેતાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી.
માસુમ બાળકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળક માતા-પિતાનો લાડકવાયો અને બહેનનો એકનો એક ભાઈ હતો ઋત્વિક પાદરકા ધો.1માં અભ્યાસ કરતો હતો. છાતીના ભાગે ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માળીયા હાટીના પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
