છેલ્લા એકાદ વર્ષથી સંબંધ રાખવા દબાણ કરી ભાઇને મારી નાખવાની ધમકી આપતા આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં થોરાળા વિસ્તારમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી સગીરાએ ફિનાઈલ પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સગીરાને પાડોશમાં રહેતા શખ્સે ધરાર પ્રેમ સંબંધ રાખવા ત્રાસ ગુજારી ભાઈને મારી નાખવાની ધમકી આપતા સગીરાએ ફિનાઈલ પી જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં નવા થોરાળા મેઇન રોડ ઉપર રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી ક્રિષ્નાબેન જેન્તીભાઈ સોંદરવા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલપી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ક્રિષ્નાબેન સોંદરવાનુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ક્રિષ્નાબેન એક ભાઈ બે બહેનમાં મોટી હતી અને તેણીના પિતા હયાત નથી ક્રિષ્નાબેન સોંદરવા ધો.11 કોમર્સ પાસ કરી ધો.12 કોમર્સમાં પ્રવેશ કર્યો હતો ક્રિષ્નાબેન સોંદરવા સ્કૂલમાં જતી હતી ત્યારે પાડોશમાં રહેતા યુવાને છેલ્લા એકાદ વર્ષથી ધરાર પ્રેમ સંબંધ બાંધવા માટે ક્રિષ્નાબેન સોંદરવાને ત્રાસ આપી ભાઈને મારી નાખવાની ધમકી આપતો હોવાથી ક્રિષ્નાબેન સોંદરવાએ ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
