રાજકોટના લોઠડામાં બોલેરો રિવર્સમાં દડતા 10 માસના માસુમને કચડી નાખ્યો

રાજકોટના લોઠડા ગામે ઢાળમાં પાર્ક કરેલી બોલેરો કાર રિવર્સમાં દડતા ઘર પાસે રમી રહેલા 10 માસના માસુમને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું…

રાજકોટના લોઠડા ગામે ઢાળમાં પાર્ક કરેલી બોલેરો કાર રિવર્સમાં દડતા ઘર પાસે રમી રહેલા 10 માસના માસુમને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના લોઠડા ગામે રહેતાં શ્રમિક પરિવારનો આર્યન અનિલભાઈ મખોડીયા નામનો 10 માસનો બાળક પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે ઢાળ પર પાર્ક કરેલી બોલેરો કાર રિવર્સમાં ધસી આવી હતી. જે બોલેરો કારનું આગળનું વ્હીલ 10 માસના બાળક પર ફરી વળ્યું હતું. માસુમ બાળકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને છેલ્લા 10 વર્ષથી લોઠડા ગામે રહી મજુરી કામ કરે છે. મૃતક બાળક બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને ગઈકાલે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે ઢાળમાં પાર્ક કરેલી બોલેરો કાર રિવર્સમાં ધસી આવતાં આગળનું વ્હીલ માથે ફરી વળતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *