સિવિલમાં તબીબની બેદરકારીથી પીડાતા પતિની ચિંતામાં પત્નીએ ફિનાઇલ પી લીધું

ત્રણ દિવસથી દાખલ દર્દીની હાલત કથળી રહી છે પણ કોઈ ગંભીરતા દાખવતા નહીં હોવાનો પરિવારનો આક્ષેપ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની છાતીમાં તાર ફસાઈ જવા…

ત્રણ દિવસથી દાખલ દર્દીની હાલત કથળી રહી છે પણ કોઈ ગંભીરતા દાખવતા નહીં હોવાનો પરિવારનો આક્ષેપ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની છાતીમાં તાર ફસાઈ જવા મામલે ગઈકાલે દર્દીના પરિવારજનો દ્વારા ખળભળાત મચાવતા આક્ષેપો કરાયા હતા. જે પછી યોગ્ય પગલાં કે સારવાર ન લેવાતા, ડોક્ટરની બેદરકારીથી પીડા ભોગવતા પતિનું દુ:ખ ન જોઈ શકતા પત્નીએ ફીનાઇલ પી આપઘાત પ્રયાસ કર્યો હતો. હાલ તેમને પણ સારવાર હેઠળ ખસેડાયા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, જોશનાબેન દિલીપભાઈ બારોટ (ઉંમર વર્ષ 53, રહે મેહુલનગર શેરી નંબર 10, સોરઠીયા વાડી સર્કલ પાસે, કોઠારીયા રોડ રાજકોટ) પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લેતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પ્રાથમિક તપાસમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગાંઠનું ઓપરેશન કરાવવા દાખલ થયેલા પતિ દિલીપભાઈ બારોટની છાતીના ભાગે સોય નાખવાની પ્રક્રિયા દરમિયાન તાર અંદર ફસાઈ ગયો હોવાનો આક્ષેપ થયો છે. તાર બહાર કાઢવા છાતીના ભાગે ચેકો મારવામાં આવ્યો હોવા છતાં તે અંદર જ રહી ગયો હતો. એટલું જ નહીં, ઘા પર ટાંકા લેવાને બદલે માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવાયું હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
હાલ દર્દી સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં સારવાર હેઠળ છે અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી રહ્યા છે. દર્દીના પુત્ર સંજય બારોટે જણાવ્યું હતું કે, તેમના પિતા 20મી તારીખે ગાંઠનું ઓપરેશન કરાવવા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન બાટલો ચડાવવા માટે નિડલ નાખવાના 15થી વધુ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં સફળતા મળી નહોતી.

ત્યારબાદ દર્દીને બેભાન કર્યા વગર છાતીના ભાગે સોય નાખવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન સોયમાં રહેલો તાર હાડકામાં વીંટાઈ જતાં તેનો કેટલોક ભાગ અંદર ફસાઈ ગયો હતો અને અંદાજે બે વેંત જેટલો ભાગ બહાર રહ્યો હતો.

તાર બહાર કાઢવા તબીબોએ છાતીના ભાગે ચેકો મારી પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. આ પછી ઘા પર ટાંકા લેવાને બદલે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. ડ્રેસિંગ માટે પણ બે કલાક સુધી કોઈ આવ્યું ન હોવાનું અને અંતે તાર અંદર હોવા છતાં સાદું ડ્રેસિંગ કરી દેવાયું હોવાનું સંજય બારોટે જણાવ્યું હતું.આ બાદ દર્દીને અમદાવાદ લઈ જવાની સલાહ આપવામાં આવી પરંતુ રસ્તામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની? હોસ્પિટલના અધિકારીઓએ મુલાકાત લઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. આથી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી સાથે જવાબદાર તબીબનું નામ અને સીસીટીવી ફૂટેજ આપવાની માગ કરાઈ હતી.

આ પછી પણ, હાલ પણ દાખલ દર્દીની સારવારમાં બેદરકારી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. જોકે આ બધી ઘટનાઓ થતા પતિની પીડા જોઈ ના શકનાર અને ચિંતામાં મુકાયેલા જોસનાબેને પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ ગટગટાવી ગયા હતા. આ સાથે સિવિલ તંત્રના અધિકારીઓ ઉપર પણ સવાલો ઊઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *