કચ્છમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-મોપેડ વચે જોરદાર ટક્કર થતાં બે શિક્ષિકાનાં મોત

  કચ્છના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરો જાણે યમદૂત બનીને ફરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. કચ્છમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં બે…

 

કચ્છના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરો જાણે યમદૂત બનીને ફરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. કચ્છમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા શિક્ષિકાઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે એક જ અઠવાડિયામાં કચ્છના અલગ-અલગ માર્ગો પર સર્જાયેલી ત્રણ મોટી દુર્ઘટનાઓમાં કુલ 13 લોકોનાં મોત થયાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરા ગામ નજીક હાજીપીર તરફ જતા માર્ગ પર ડમ્પરની અડફેટે બે મહિલા શિક્ષિકાઓ આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પરંતુ આ માર્ગ પર અકસ્માતની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આ જ વિસ્તારમાં ડમ્પર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અગાઉની ઘટનાના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં વધુ બે મહિલાઓનાં મોત થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

સ્થાનિકોના રોષનું મુખ્ય કારણ ઓવરલોડ ડમ્પરોની બેફામ અવરજવર છે. રેતી અને ખનિજની હેરાફેરી કરતા ડમ્પરો બેદરકારીપૂર્વક દોડતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આવા વાહનચાલકો સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પૂરતી કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેવા સવાલો પણ ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *