સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 દરમિયાન ભારતીય ક્રિકેટર અને બરોડા ટીમના કેપ્ટન ક્રુણાલ પંડ્યા સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. બરોડા અને ઝારખંડ વચ્ચે રમાયેલી મેચ બાદ એક ચાહકે ક્રુણાલ પંડ્યા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જોકે, આ ઘટનામાં ક્રુણાલને કોઈ ઈજા થઈ ન હતી. શરૂૂઆતમાં તેણે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, પરંતુ ત્યારબાદ સ્વસ્થતા જાળવી અન્ય ચાહકોને ઓટોગ્રાફ આપવાનું ચાલુ રાખ્યું હતું.બરોડાની ટીમે ક્રુણાલ પંડ્યાની કેપ્ટનશિપમાં ઝારખંડ સામે 5 વિકેટે જીત મેળવી હતી. મેચ પૂર્ણ થયા બાદ ક્રુણાલ પંડ્યા બાઉન્ડ્રી પાસે ઊભેલા ચાહકોને મળવા અને ઓટોગ્રાફ આપવા પહોંચ્યો હતો.
આ દરમિયાન ભીડમાંથી એક ચાહકે તેની તરફ જૂતું ફેંક્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી ક્રુણાલ પણ ચોંકી ગયો હતો અને તેણે જૂતું પકડવાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી મામલો અટક્યો નહોતો. થોડી જ ક્ષણોમાં ચાહક તરફથી બીજું જૂતું પણ ક્રુણાલની દિશામાં ફેંકવામાં આવ્યું હતું. જોકે, આ વખતે તે બચી ગયો હતો. ઘટનાથી નારાજ થયેલા ક્રુણાલે જૂતું ફેંકનાર ચાહક તરફ આંગળી ચીંધીને તેને ચેતવણી આપી હતી. જોકે, થોડા સમય બાદ તેણે પોતાને સંભાળ્યો હતો અને ત્યાં હાજર અન્ય ચાહકોને ઓટોગ્રાફ આપવાનું ચાલુ રાખ્યું હતું.
