અમેરિકામાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. પૂર્વ કિનારા તરફ આગળ વધી રહેલા ‘નોરઈસ્ટર’ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. વાવાઝોડાની અસરને પગલે 9 લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. જ્યારે હવાઈ વ્યવહાર પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 1,800થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, તો 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે.
ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે પૂર્વ કિનારે સમુદ્રનું જળસ્તર 14 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચવાની ચેતવણી આપી છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધી ગયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
વીજ પુરવઠા પર નજર રાખતી વેબસાઇટ પૉવર આઉટેજના અહેવાલ મુજબ, ગુરુવાર સાંજ સુધીમાં મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આશરે નવ લાખ ગ્રાહકો વીજળી વિના રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૅન્સિલવેનિયામાં 2.13 લાખથી વધુ, વર્જિનિયામાં 1.5 લાખથી વધુ અને મિસૂરીમાં લગભગ 1.2 લાખ ગ્રાહકોને વીજળી મળી શકી ન હતી. વર્જિનિયામાં આશરે બે લાખ અને મૅરીલૅન્ડમાં 1.77 લાખ ઘરો તથા વેપારી સંસ્થાઓમાં અંધારપટ છવાયો હતો.
પૂર્વ કિનારાના વિસ્તારોમાં 112 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી કર્યા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ ડેલાવેર, ન્યૂ જર્સી અને દક્ષિણ-પૂર્વ પૅન્સિલવેનિયામાં વૃક્ષો અને વીજ લાઇનો તૂટી પડવાથી મોટા પાયે વીજ કાપ સર્જાયો છે.
થૅન્ક્સગિવિંગના સમયે આવેલા આ તોફાને હવાઈ પ્રવાસીઓની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. સમગ્ર દેશમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે અને હજારો ફ્લાઇટ્સ મોડી પડી રહી છે, જેના કારણે હજારો મુસાફરો ઍરપૉર્ટ પર અટવાઈ ગયા છે. ફ્લાઇટઅવેરના ડેટા અનુસાર ગુરુવારે અમેરિકન હવાઈ મથકો પર 350થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ 700 ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો.
થૅન્ક્સગિવિંગ આસપાસના સાત દિવસ દરમિયાન 8.15 કરોડ અમેરિકનો ઓછામાં ઓછા 50 માઇલ દૂર પ્રવાસ કરવાના હતા. નેશનલ વેધર સર્વિસે પૂર્વ કિનારે ભારે વરસાદ, તેજ પવન અને વ્યાપક પૂરની ચેતવણી આપી છે તથા ઇન્ટરસ્ટેટ-95 કૉરિડૉર પર 50 માઇલ પ્રતિ કલાક કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂ જર્સીના ગવર્નરે કટોકટી જાહેર કરી છે અને ન્યૂયૉર્કના કેટલાક ભાગોમાં પણ કટોકટીના પગલાં લાગુ કરાયા છે.
