કાળમુખા ટ્રક અડફેટે પતિ-સગર્ભા પત્નીના મોત

રાજકોટ-કાલાવડ હાઈવે પર વડ વાજડી ગામ પાસે સાંજના સમયે એક બેફામ ટ્રક અને એક્સેસ સ્કૂટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક હસતા-રમતા પરિવારનો માળો પળવારમાં વિખેરાઈ…

રાજકોટ-કાલાવડ હાઈવે પર વડ વાજડી ગામ પાસે સાંજના સમયે એક બેફામ ટ્રક અને એક્સેસ સ્કૂટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક હસતા-રમતા પરિવારનો માળો પળવારમાં વિખેરાઈ ગયો છે. આ કરુણ દુર્ઘટનામાં પતિ અને તેની ચાર માસની ગર્ભવતી પત્નીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે તેમની પાંચ વર્ષની માસૂમ દીકરી ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઘેડ પંથકના કળછ ગામના વતની અને હાલ ખીરસરા રણમલજીના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા 33 વર્ષીય મિતેષભાઈ ગોવિંદભાઈ વાઘેલા ફેક્ટરીમાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં મિતેષભાઈ પોતાના 25 વર્ષીય પત્ની કવિતાબેન અને 5 વર્ષની દીકરી જીનલને લઈને એક્સેસ સ્કૂટર પર સવાર થઈ રાજકોટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વડ વાજડી ગામ પાસે સામેથી ધસી આવેલા ટ્રક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે આખો પરિવાર રોડ પર ફંગોળાઈ ગયો હતો અને રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.

આ અકસ્માતમાં માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે મિતેષભાઈ અને કવિતાબેનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતક કવિતાબેનને ચાર માસનો ગર્ભ હતો. આમ, આ અકસ્માતે પતિ-પત્ની ઉપરાંત દુનિયામાં આવવાની રાહ જોઈ રહેલા એક અજન્મા જીવનો પણ ભોગ લઈ લીધો છે.અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મેટોડા જીઆઈડીસી પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચી બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર ખીરસરા રણમલજી અને કળછ ગામે પહોંચતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.

માસૂમ જીનલને ખબર પણ નથી કે તેના માતા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા!
દુર્ઘટનામાં પાંચ વર્ષની દીકરી જીનલનો ચમત્કારિક બચાવ થયો છે, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલના બિછાને પીડાથી કણસતી આ માસૂમ બાળકીને હજુ એ વાતનો અંદાજ પણ નથી કે તેણે માતા-પિતાની છત્રછાયા હંમેશ માટે ગુમાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *