જૂનાગઢમાં કિન્નર અખાડાના અધ્યક્ષ અને 1008 મહામંડલેશ્વર ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ મા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.. શિવગિરી નામના સાધુએ ગદા વડે હુમલો કરતાં અખાડામાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઘટનાની વાત કરીએ તો, ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાંથી કિન્નર અખાડાના સભ્યો જૂનાગઢ આવ્યા હતા. પરિક્રમા પૂર્ણ થયા બાદ ગઈકાલે કિન્નર અખાડા ખાતે ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન શિવગિરી નામનો શખ્સ હાથમાં ગદા લઈને નગ્ન અવસ્થામાં અચાનક અખાડામાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ તેણે કિન્નર અખાડાના સભ્યો પર હુમલો કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ હુમલામાં કિન્નર અખાડાના અધ્યક્ષ ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ માતાને ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમણે હુમલાખોર શિવગિરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ, આરોપી શિવગિરીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. વર્ષ 2018થી 2026 દરમિયાન જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં તેની સામે કુલ 6 કેસ નોંધાયા હતા. જેમાંથી 3 કેસમાં તે નિર્દોષ છૂટી ચૂક્યો છે.આ ઉપરાંત ફેબ્રુઆરી 2026માં શિવગિરીને જૂનાગઢ ઉપરાંત રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ તડીપાર કરવામાં આવ્યો હતો.હાલમાં હુમલા બાદ ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
