દ્વારકામાં બનાવટી દાખલાના આધારે કથિત સંચાલકે 10 લાખમાં ધર્મશાળા વેંચી મારી

દ્વારકામાં આવેલી એક ધર્મશાળાને નમૂના નં. 2 નો બનાવટી દાખલો બતાવીને ખંભાળિયાના એક આસામીને વેચવાનો કારસો કરી, રૂૂ. 10 લાખની રકમ લઈને આ ધર્મશાળાનો કથિત…

દ્વારકામાં આવેલી એક ધર્મશાળાને નમૂના નં. 2 નો બનાવટી દાખલો બતાવીને ખંભાળિયાના એક આસામીને વેચવાનો કારસો કરી, રૂૂ. 10 લાખની રકમ લઈને આ ધર્મશાળાનો કથિત સંચાલક શખ્સ ફરાર થઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના જલારામ નગર ખાતે રહેતા અને સોની કામની એક પેઢીમાં મહેતાજી તરીકેની નોકરી કરતા સતવારા ભરતભાઈ રણછોડભાઈ નકુમ (ઉ.વ. 32) એ દ્વારકામાં આવેલી મારવાડી ધર્મશાળાના રવિકુમાર દેવકીનંદન શર્મા નામના શખ્સ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદી ભરતભાઈ નકુમને દ્વારકામાં જમીન ખરીદ કરવી હોય, જેથી તેમણે તેમના જાણીતા દલાલ પરબતભાઈ મોવર (રહે. ખંભાળિયા) ને જાણ કરતા તા. 5 જૂન 2026 ના રોજ દલાલ પરબતભાઈ મોવર સાથે તેમના ધ્યાનમાં રહેલી મારવાડી ધર્મશાળા સંભાળતા રવિકુમાર દેવકીનંદન શર્મા સાથે એક હોટલમાં મુલાકાત કરી હતી.

જેમાં તેમના મિત્ર દીપકભાઈ ઘઘડા (રહે. ખંભાળિયા) પણ સાથે રહ્યા હતા.આ મિટિંગમાં દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી મારવાડી ધર્મશાળાની મિલકતનો તેઓએ નમૂના નંબર 2 ના દાખલાની નકલ મેળવીને રૂૂપિયા દસ લાખની રોકડ રકમ આપીને સોદો કર્યો હતો. આ પછી ગત તારીખ 9 જૂનના રોજ તેઓ રૂૂપિયા એક લાખ આપીને રવિકુમાર શર્મા સાથે સોદા કરાર કરવાનું કહેતા રવિકુમાર શર્માએ રૂૂ. 1,00,000 ની રકમ સ્વીકારી ન હતી અને તે જયપુર જઈને ત્યાંથી પાછા આવીને સોદા કરાર કરશે તેવી વાત કરી હતી. ત્યાર બાદ આરોપી શખ્સએ કોઈ સોદા કરાર નહીં કરી આપી ફરિયાદી તેમજ દલાલને ફોન પર સોદા કરાર કરવાની ના પાડી હતી.આ પછી રૂૂ. 10,00,000 ની રકમ પરત આપવાનું કહેતા આ રકમ તેમને પરત ન આપી, ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.

વધુ તપાસમાં ઉપરોક્ત ધર્મશાળાની જમીનના નમૂના નંબર 2 ના દાખલાની દ્વારકાની મામલતદાર કચેરીમાં તપાસ કરાવતા આ અંગેની કોઈ નોંધ ન હોવાનું તેમજ આ દાખલો ખોટો બનાવટી હોવાનું પણ તેઓના ધ્યાને આવ્યું હતું. આમ, આરોપી દ્વારા ધર્મશાળાની જમીનનો ખોટો બનાવટી નમૂના નંબર 2 નો દાખલો બનાવી, તેની નકલ રજૂ કરી અને ધર્મશાળા પોતાના હસ્તક હોવાનું જણાવી, આ જગ્યાને વેચાણથી આપવાનો વિશ્વાસ સંપાદિત કરી, રૂૂ. દસ લાખની રોકડ રકમ પડાવીને વિશ્વાસઘાત કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *