નિ:સંતાન કાકા-કાકીએ મિલકત મૃતકના નામે કરી દેતા હિસ્સો મેળવવા પિતરાઇભાઇએ ખેલ્યો ખૂની ખેલ
ભાઇ-ભાભી ઉપર ઝનૂનપૂર્વક લાકડાના ધોકાથી તૂટી પડ્યો, વચ્ચે પડેલી બે મહિલાને પણ લોહીલોહાણ કરી
જસદણના જંગવડ ગામે વડીલોપાર્જીત મકાન માટે કુટુંબીજનો વચ્ચે ચાલતા ઝઘડામાં કૌટુંબિક ભાઈએ સરાજાહેર ભાઈ-ભાભીની નિર્મમ હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. હુમલા વખતે બચ્ચાવા વચ્ચે પડેલ મૃતક યુવકના ભાભી અને નજીકમાં કરીયાણાની દુકાન ધરાવતા મહિલાને પણ ઈજા થઇ હતી. પોલીસે તાત્કાલિક આરોપીને સકંજામાં લીધો છે.
મળતી વિગતો મુજબ જસદણના જંગવડ ગામે રહેતા હીરાઘસુ પ્રકાશભાઈ બચુભાઈ ધોડકીયા (ઉવ 35) અને વિલાસબેન પ્રકાશભાઈ ધોડકીયા (ઉવ33) ગામમાં ચાલતી ભાગવત કથામાં હાજરી આપવા જતા હતા ત્યારે પ્રકાશના મોટાબાપુના પુત્ર કૌટુંબિક ભાઈ આરોપી અશોક ઉર્ફે સુડા ગોબર ધોડકીયા એ દંપતી ઉપર સરાજાહેર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. વિલાસબેન પ્રકાશભાઈ ધોડકીયા તેમના પતિ પ્રકાશભાઈ ધોડકીયા ઉપર આ હુમલા વખતે બચાવવા વચ્ચે પડેલ કરીયાણાની દુકાન ચલાવત પુરીબેન ભૂપતભાઈ ધોડકીયા અને પ્રકાશના ભાભી મુક્તાબેન જેન્તીભાઈ ધોડકીયાને ઉપર પણ અશોક ઉર્ફે સુડા ગોબર ધોડકીયાએ હુમલો કર્યો હતો.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિલાસબેન પ્રકાશભાઈ ધોડકીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે માથાના ભાગે ગંભીર ઈજા પામેલા તેમના પતિ પ્રકાશભાઈ બચુભાઈ ધોડકીયા અને પુરીબેનને અને મુકતાબેનના પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈનું પણ મોત થયું હતું અને આ બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો હતો જયારે હાલ મુક્તાબેન અને પુરીબેનની સારવાર ચાલી રહી છે.
ડબલ મર્ડરની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ રાઠોડ સહીતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલીક હુમલાખોર આરોપી અશોક ધોડકીયા ઉર્ફે સુડાને ઝડપી પાડ્યો છે અને આ લોહિયાળ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તેની પૂછપરછ હાથ કરતા જાણવા મળ્યું કે, મૃતક પ્રકાશભાઈના અને આરોપી બન્ને એક જ પરિવારના સભ્યો છે અને કૌટુંબિક ભાઈ થાય છે. પ્રકાશભાઈના કાકા-કાકી જે હાલ અવસાન પામ્યા હોય તેણે કોઈન સંતન ન હોવાથી પોતાનું મકાન પ્રકાશભાઈના નામે કરી દીધું હતું.
આરોપી અશોક ધોડકીયા ઉર્ફે સુડાને આ મકાનમાં પોતાનો ભાગ માંગતો હતો જેના કારણે બન્ને કૌટુંબિક ભાઈ વચ્ચે છેલ્લા એક વર્ષથી માથાકૂટ ચાલતી હતી, મૃતક પ્રકાશભાઈ ત્રણ ભાઈમાં નાનો હતો તેના મોટા ભાઈ રમેશભાઈ, જેન્તીભાઈ અને સૌથી નાનો પ્રકાશ હતો, મૃતકના દાદાને ત્રણ સંતાનો હતા જેમાં અશોક ધોડકીયાના પિતા સૌથી મોટા હતા ત્યાર બાદ પ્રકાશના પિતા જે વચેટ હતા અને સૌથી નાના કાકા જેને કોઈ સંતાન ન હોય જેથી પ્રકાશને પોતાનું મકાન તેના નામે કરી દીધું હતું.તેમજ અશોક ધોડકીયા ઉર્ફે સુડા કોઈ કામ ધંધો કરતો ના હોય જેથી પરિવારે તેને મિલકત માંથી બે દખલ કરી દીધો હતો. જસદણના જંગવડ ગામે વડીલોપાર્જીત મકાન માટે કુટુંબીજનો વચ્ચે ચાલતા ઝઘડામાં કૌટુંબિક ભાઈએ સરાજાહેર ભાઈ-ભાભીની નિર્મમ હત્યા કરી નાખ્યાના બનાવથી કોળી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
ભાગવત કથામાં જતા દંપતીને રસ્તામાં જ આંતરી હુમલો કર્યો
જંગવડ ગામે રહેતા અને હીરાઘસવાનું કામ કરતા પ્રકાશભાઈ બચુભાઈ ધોડકીયા(ઉવ 35) અને તેમના પત્ની વિલાસબેન પ્રકાશભાઈ ધોડકીયા (ઉવ33) ગામમાં લાભપંચમથી શરૂૂ થયેલી ભાગવતકથામાં હાજરી આપવા જતા હતા, ત્યારે આરોપી અશોક ઉર્ફે સુડા ગોબર ધોડકીયાએ દંપતીને રસ્તામાં જ આંતરી તેમના ઉપર સરાજાહેર ધોકા વડે ઝનુન પૂર્વક જીવલેણ હુમલો કરી દીધો હતો. પ્રકાશભાઈ ધોડકીયા અને વિલાસબેન ધોડકીયા ઉપર ગામમાં સરાજાહેર હુમલા વખતે તેમની સાથે કથામાં જતા પ્રકાશના ભાભી મુક્તાબેન જેન્તીભાઈ ધોડકીયા અને નજીકમાં દુકાન ચલાવત પુરીબેન ભૂપતભાઈ ધોડકીયા બચાવવા વચ્ચે પડ્યા હતા, પરંતુ પણ અશોક ઉર્ફે સુડા ગોબર ધોડકીયાએ ઝનુન પૂર્વક ચારેયને બેફામ ધોકાના ઘા ફટકારી ભાઈ ભાભીનું ઢીમ ઢાળી દીધું હતું.
