સોની બજારમાં 4 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, 4 ઝબ્બે

શહેરના સોની બજારમાં દિવાળી પૂર્વે બનેલી રૂૂ.4 લાખની લુંટના બનાવનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી લુંટની ટીપ આપનાર સોની વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારી સહીત…

શહેરના સોની બજારમાં દિવાળી પૂર્વે બનેલી રૂૂ.4 લાખની લુંટના બનાવનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી લુંટની ટીપ આપનાર સોની વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારી સહીત ચાર શખ્સોની ધરપકડ કરી રૂૂ.3.90 લાખનું સોનું કબજે કર્યું છે. લુંટ ચલાવવા માટે સોની વેપારીના કર્મચારીએ જ તેના ત્રણ મિત્રોને રાજસ્થાનથી રાજકોટ બોલાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

મળતી વિગતો મુજબ માંડવી ચોક નજીક જુઠા દોષીની શેરીમાં આવેલા બાલાજી તારવાળાની દુકાનમાં ઉમેદારામ હીરારામ ચૌહાણને ત્યાં નોકરી કરતો મૂળ રાજસ્થાનનો 19 વર્ષીય સચિન મુલારામ મીણા ગત તા 4 નવેમ્બરના રોજ શેઠે સોનાના તારની લગડી તૈયાર કરવા માટે કોઠારીયા ચોકી સામે આવેલી દુકાનથી આશરે 33 ગ્રામ ફાઈન સોનું મંગાવ્યું હતું જેને લાવવા માટે સચિન શેઠનું એક્ટિવા નંબર જીજે 03 પીબી-7506 લઈને ગયો હતો. સોનાના તારની લગડી તૈયાર થઈ ગયા બાદ, રાત્રે આશરે 9.30 વાગ્યે સચિન તે લગડી પેન્ટના ડાબા ખિસ્સામાં મૂકીને આપવા માટે નીકળી દુકાનથી માંડવી ચોક તરફ જવા માટે રવાના થયો ત્યારે રસ્તામાં એક અજાણ્યો શખ્સ તેની એક્ટિવા આગળ આવ્યો હતો અને હિન્દીમાં “મુઝે પેરમે ચોટ લગી હે, આગે તક છોડ દે” એમ કહીને એક્ટિવા પર પાછળ બેસી ગયો હતો. થોડે આગળ ગયા બાદ તે શખ્સે અચાનક બદઇરાદો પાર પાડવા માટે ધમકી આપવાનું શરૂૂ કર્યું હતું. અને તે અજાણ્યા શખ્સે સચિનને ધમકાવતા કહ્યું કે, “ચિલ્લાયા તો ચાકુ લગા દુંગા.” તેના જમણા હાથમાં રૂૂમાલમાં કોઈ અણીદાર હથિયાર જેવું રાખીને યુવકની પીઠ પર અણી અડાડી દીધી હતી અને આગળ ગાડી ચલાવવા દબાણ કર્યું હતું.

ડરના માર્યા યુવકે આગળ ગાડી ચલાવી હતી. ત્યારબાદ તે શખ્સે માંડવી ચોકના ઢાળીયા આગળ એક્ટિવા તરફ લેવાનો ઈશારો કર્યો હતો, જેથી યુવકે તે મુજબ ગાડી ત્યાં રોકી હતી. માંડવી ચોકના ઢાળીયા પાસે એક્ટિવા ઊભી રાખ્યા બાદ તે શખ્સે સચિનના પેન્ટના ડાબા ખિસ્સામાંથી રૂૂ.4 લાખની સોનાના તારની લગડી લુંટી એક્ટિવા ઉભું રખાવીને ભાગી ગયો હતો અને જતા જતા ધમકી આપી હતી કે જો એક્ટિવા વાળીને પાછળ આવ્યો તો ચાકુ ઘુસાડી દઈશ. આ ઘટના બાદ સચિને તેના શેઠ ઉમેદારામ ચૌહાણને ફોન કરીને બોલાવી લીધા હતા. અને ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે શિવલાલ છોગારામ મેઘવાર (રહે. પાલી મારવાડ, રાજસ્થાન), શ્રવણ ચેલારામ ચૌધરી (રહે. મુંબઈ, મહારાષ્ટ્ર) અને રાજુરામ ભવરલાલ કીર (રહે. પાલી મારવાડ, રાજસ્થાન) નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા, પકડાયેલા આ શખ્સો પાસેથી લૂંટમાં ગયેલ કુલ 43.030 ગ્રામ વજનનો (16 કેરેટનો) કિંમતી સોનાનો તાર મળી આવ્યો છે. પોલીસે આશરે રૂૂ. 3,90,000/- ની કિંમતનો આ મુદામાલ કબજે કરી પુછપરછ કરતા તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ લૂંટ કોઈ સામાન્ય બનાવ ન હતો, પરંતુ સોનાના તારની લૂંટના આ ગુનામાં ખુદ ફરિયાદી સચીનભાઈ મુલારામ મીણા (રહે. હાલ રાજકોટ, મૂળ રાજસ્થાન) પણ સામેલ હતો. તેણે જ આ લુંટની ટીપ આપી હતી. સચિન સાથે મળી ત્રણેય શખ્સોઓએ સાથે મળીને કાવતરું રચીને આ લૂંટના બનાવને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઈમ) ભરત.બી. બસિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર,ક્રાઇમ બ્રાંચના પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી. એચ.જાદવ સાથે પીએસઆઈ ડી. પી. ઝાલા, એ.એન.પરમાર, વી. ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *