દરેક નગરસેવકને બે-બે લાખ મળ્યા અને ધારાસભ્યના નામે કોઇ 10 લાખ લઇ ગયાની ગરમાગરમ ચેટથી રાજકીય ગરમાવો
સુરત શહેર ભાજપમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 27ના ભાજપના ચૂંટણીલક્ષી વોટ્સએપ ગ્રુપમાં મોડી રાત્રે થયેલી ઉગ્ર ચેટિંગને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વોર્ડના કોર્પોરેટર ભાઈદાસ પાટીલ અને ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મનીષ નાયક વચ્ચે થયેલી આ ચેટિંગમાં કૈલાસ બંગ્લોઝ ખાતે 19 લાખ રૂૂપિયાના કથિત સેટલમેન્ટનો મુદ્દો ઉછળ્યો હતો. એટલું જ નહીં, દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂૂપિયા મળ્યા હોવાની ચર્ચા અને ધારાસભ્યના નામે 10 લાખ રૂૂપિયા કોણ લઈ ગયું તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, વોર્ડ નંબર 27ના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મનીષ નાયકે કથિત 19 લાખ રૂૂપિયાના સેટલમેન્ટ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂૂપિયા મળ્યા હોવાની ચર્ચાનો ઉલ્લેખ કરીને કયા કોર્પોરેટરને રૂૂપિયા મળ્યા છે અને કોણ બાકી રહી ગયું છે તેની તપાસ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યના નામે 10 લાખ રૂૂપિયા કોણ લઈ ગયું તેની પણ તપાસ થવી જોઈએ તેવો મુદ્દો તેમણે ગ્રુપમાં રજૂ કર્યો હતો. આ સવાલોના જવાબમાં કોર્પોરેટર ભાઈદાસ પાટીલે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ગ્રુપમાં પડકાર ફેંકતા જણાવ્યું હતું કે હિંમત હોય તો કૈલાસ બંગ્લોઝ ખાતે તપાસ કરો, ત્યાંથી જ જવાબ મળી જશે. સાથે જ યોગેશ દેસાઈને લિંબાયત ઝોનમાં જઈને પૂછવા માટે પણ તેમણે પડકાર આપ્યો હતો. આમ, વોટ્સએપ ગ્રુપમાં જ ભાજપના સ્થાનિક આગેવાનો વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂૂ થયો હતો. આ વિવાદ દરમિયાન દાંડી ઐતિહાસિક માર્ગ પર મટનના વેચાણ માટે હપ્તા લેવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ ચર્ચામાં આવ્યો હતો.
મનીષ નાયકે એવો દાવો કર્યો હતો કે ફાયર સ્ટેશન પાસે યોજાયેલા એક ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાઈદાસ પાટીલે પોતે જ કથિત કૌભાંડ અંગે વાત કરી હતી. આથી હવે વોર્ડના રાજકીય વિવાદમાં માત્ર 19 લાખના સેટલમેન્ટનો મુદ્દો જ નહીં, પરંતુ અન્ય આક્ષેપો પણ જોડાતા મામલો વધુ ગરમાયો છે.સમગ્ર મામલે મનીષ નાયકે વોટ્સએપ પર થયેલી ચેટિંગની પુષ્ટિ કરી છે. તેમણે પોતાની પાસે આક્ષેપોને લગતા પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે. બીજી તરફ, કોર્પોરેટર ભાઈદાસ પાટીલે પોતાના મોબાઈલમાંથી આ પ્રકારના મેસેજ ગયા જ ન હોવાનું જણાવી આ સમગ્ર મામલે અજાણતા દર્શાવી છે.
