ઉપલેટા શહેરમાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના જૂના પુલ પરથી રસ્તાના ડામરના થર (લેયર) ઉખેડવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલા આ બ્રિજ અને રસ્તાના ખોદકામ બાદ નીકળેલો ડામરનો વેસ્ટ અને રોડનો કાટમાળ (મલબો) કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નેવે મૂકીને સીધો જ મોજ નદીમાં ફેંકવામાં આવી રહ્યો હતો. નદીમાં પ્રદૂષણ અને પાણીના વહેણમાં અવરોધ ઊભો કરતી આ ગંભીર બેદરકારી અંગે જાગૃત નાગરિકો તાત્કાલિક સ્થળ પર પહોંચી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને નદીમાં કચરો ફેંકવાનું તુરંત બંધ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. ઉદય નસીતનો સંપર્ક કરતાં તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મોજ નદીના બ્રિજ પરનો આસ્ફાલ્ટ (ડામર) રોડનો ઉપરનો થર ડેમેજ થઈ ગયો હોવાથી રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ’સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શન’ એજન્સી દ્વારા શરૂૂ કરાયેલા આ કામમાં વર્ષોથી બ્રિજ પર જામેલા ડામરના થરનું ખોદકામ કરીને બ્રિજના સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે રીતે પુલ પરનું ભારણ (લોડ) ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ખોદકામ દરમિયાન નીકળતા વેસ્ટના નિકાલ અંગે ચીફ ઓફિસરે બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કાટમાળ ભવિષ્યમાં સાઈડ ફિલિંગમાં વાપરી શકાય તે માટે નગરપાલિકાના વાહન ગેરેજ ખાતે ઠાલવવા એન્જિનિયર હિતેનભાઈ મારફતે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. પરંતુ મોજ નદીમાં પહેલાથી જ ઠાલવી દેવાયેલા ડામરના કચરાને બહાર કાઢવામાં આવશે કે કેમ, તેમજ કામગીરીના સ્થળે સેફ્ટી બેરિયરના અભાવ અંગે પૂછતાં ચીફ ઓફિસરે ગોળગોળ જવાબો આપ્યા હતા. તેમણે માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે અને વાહનચાલકોની સુરક્ષા માટે સૂચના અપાઈ હોવાનું જણાવી સંતોષ માન્યો હતો, જેને પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્રની ઢીલી નીતિ સામે સવાલો ઉઠ્યા છે.
