ચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પર દબાણ કરનાર સરપંચને ગડગડીયુ

ચોટીલા તાલુકાના કાળાસર ગામના સરપંચ સામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાકું બાંધકામ કરવા તેમજ સરપંચ તરીકેની સત્તાનો દુરુપયોગ કરવાના મામલે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ…

ચોટીલા તાલુકાના કાળાસર ગામના સરપંચ સામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાકું બાંધકામ કરવા તેમજ સરપંચ તરીકેની સત્તાનો દુરુપયોગ કરવાના મામલે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે. કાળાસર ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈ નાનુભાઈ ધોરાળીયાને સરપંચ પદ પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવતા ગ્રામ્ય રાજકારણમાં ચર્ચા જાગી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાળાસર ગામના સર્વે નંબર 120, 55 અને 60ની જમીનને લગતા મામલે સરપંચ સામે ફરિયાદો અને અહેવાલોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્વે નંબર 120ની સરકારી જમીન પર આશરે 3000 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં પાકું મકાન તથા પશુઓ માટે ઢાળિયા અને બગિયા બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ બાંધકામ છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.આ મામલે નાયબ કલેક્ટર, પ્રાંત ચોટીલાના અહેવાલ તેમજ તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સરપંચ મનસુખભાઈ ધોરાળીયાને કારણદર્શક નોટિસ આપી પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. આ દરમિયાન જુદી જુદી તારીખે સુનાવણી યોજાઈ હતી અને સરપંચ દ્વારા લેખિત જવાબ પણ રજૂ કરવામાં આવ્યો હતો.સરપંચ દ્વારા પોતાના બચાવમાં કાળાસર ગામમાં નવા ગામતળને મંજૂરી મળેલી હોવાનો તથા જે જમીન પર બાંધકામ કરવામાં આવ્યું છે તે ગામતળ વિસ્તારની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જોકે, મહેસૂલી રેકોર્ડ અને સંબંધિત અધિકારીઓના અહેવાલોના આધારે સર્વે નંબર 120ની જમીન સરકારના નામે હોવાનું તેમજ સર્વે નંબર 55 અને 60ની જમીન ગ્રામ પંચાયતના ગૌચર તરીકે નોંધાયેલી હોવાનું સ્પષ્ટ થયું હતું.જિલ્લા વિકાસ અધિકારીના હુકમમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ અને સરપંચ તરીકેની સત્તાના દુરુપયોગની બાબતને ગંભીર ગણી ગુજરાત પંચાયત અધિનિયમ-1961ની કલમ 49(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આમ, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા. 05/11/2025ના રોજ હુકમ કરી મનસુખભાઈ નાનુભાઈ ધોરાળીયાને કાળાસર ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *