ચોટીલાના ચોબારી ગામેથી 59 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયુ

ચોટીલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ રાજકોટ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા કરવામાં…

ચોટીલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ રાજકોટ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસની ટીમે સ્થળ પરથી ગાંજાના અંદાજે 130 છોડ, મૂળિયાં સહિત કુલ 118 કિલોગ્રામ લીલો ગાંજો કબજે કર્યો હતો. જેની અંદાજિત કિંમત રૂૂ. 59 લાખ થવા જાય છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણને મળેલી બાતમીના આધારે ટીમ દ્વારા ચોટીલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી વાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી ભરત માવજીભાઈ બાવળીયાએ પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના આશરે 130 છોડ મૂળિયાં સહિત કબજે કર્યા હતા. જેનું કુલ વજન 118 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂૂ. 59,00,000 હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(બી), 8(સી) તથા 20(બી)(શશ)(સી) મુજબ ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ ઝોન ANTFના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ. એચ. ચૌહાણ, પો. હેડ કોન્સ્ટેબલ ભૂમિકાબેન દાણીધારિયા, પો. કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ, પો. હેડ કોન્સ્ટેબલ આલાભાઈ રાઠોડ તથા ડ્રાઇવર પો. કોન્સ્ટેબલ અનિલગીરી ગોસાઈ સહિતની ટીમે આ કામગીરીને અંજામ આપ્યો હતો. ચોટીલા પંથકમાં પાચવડા ત્રબોડા ના સીમ વિસ્તારમાં હજું ગાંજા જેવા નશીલા છોડ સળગાવેલ હોવાના વાયરલ વિડીયો અંગે દોડધામ અને ચર્ચાઓ સમી નથી તેવા સમયે રામપરા (ચોબારી) ની સીમમાં ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થતાં ચોટીલા પંથકમાં નશાની ખેતી અને કારોબાર હોવાની વાત ને સમર્થન મળતું જણાય છે ત્યારે સ્થાનિક પંથકમાં કેવું પેટ્રોલીંગ? તે અંગે પણ સવાલ ઉઠ્યા છે. લીલા ગાંજા નો જથ્થો ઝડપાતા આવા ગોરખધંધા સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *