રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ વહીવટી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ‘રાજકોટ તેરા તુજકો અર્પણ’ના ઉમદા વિચાર સાથે મનપાના કરકસરયુક્ત વહીવટ થકી બચત થયેલી આશરે રૂૂ. 90 લાખ જેટલી માતબર રકમનો ઉપયોગ હવે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂૂપે લોકહિતના કાર્યોમાં કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત મેયર ડો. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કરવામાં આવી છે.ખર્ચમાં મોટો ઘટાડો કરીને બચેલા નાણાં ‘તેરા તુજકો અર્પણ’ ની ભાવના સાથે રાજકોટની જનતા અને કોર્પોરેશનના પાયાના કર્મચારીઓને પાછા સમર્પિત કરવાનો ભવ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.
પત્રકાર પરિષદને સંબોધતા મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, ગત વર્ષોમાં દિવાળી કાર્નિવલ પાછળ સરેરાશ 1 કરોડ 90 લાખ રૂૂપિયા જેટલો માતબર ખર્ચ થતો હતો. પરંતુ આ વર્ષે સચોટ આયોજન, સ્માર્ટ મેનેજમેન્ટ અને બિનજરૂૂરી ખર્ચાઓ પર કાપ મૂકીને અંદાજિત 85 થી 90 લાખ રૂૂપિયાની સીધી બચત કરવામાં સફળતા મળી છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ફટાકડા અને ઉત્સવને કારણે મોટા પ્રમાણમાં કચરો અને ગંદકી ફેલાતી હોય છે. રાજકોટની જનતાએ ધામધૂમથી દિવાળી ઉજવી હતી, પરંતુ રાજકોટ મનપાના કર્મઠ સફાઈ કામદારોની ટીમની મહેનતદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ જોવા મળ્યું કે દિવાળી પછીના દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ જ આખો શહેર વિસ્તાર સંપૂર્ણપણે ચોખ્ખો અને સ્વચ્છ કરી દેવામાં આવ્યો હતો.
સફાઈ કર્મચારીઓની આ નિષ્ઠા અને રાત-દિવસની મહેનતને બિરદાવવા માટે માત્ર શબ્દોથી અભિનંદન આપવાને બદલે મનપાએ પ્રથમવાર એક નક્કર પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આશરે 8,200 જેટલા સફાઈ તથા અન્ય જરૂૂરી કર્મચારીઓને પ્રતિ વ્યક્તિ 1,000 લેખે પ્રોત્સાહન રકમ સીધી જ અર્પણ કરવામાં આવશે. હેતુ માટે આશરે 82 લાખ રૂૂપિયાની ફાળવણી સીધી કર્મચારીઓના ઉત્સાહવર્ધન માટે કરવામાં આવી છે.
આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાને કારણે ગુજરાત સરકારના આગોતરા આયોજનના લીધે પીવાના પાણીની કોઈ મોટી સમસ્યા ઉદ્ભવી નથી. તેમ છતાં, મૂગા પશુઓ માટે ઢોરચારા કે અન્ય નાની-મોટી વ્યવસ્થાઓમાં કોઈ તકલીફ ન પડે તે માટે સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને કામ કરી રહી છે. આવી લોકહિતની સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે કોર્પોરેશન દ્વારા બચાવેલા નાણાંમાંથી અંદાજિત રૂૂ. 10 લાખ અને વધુમાં બીજા રૂૂ. 10 લાખ ઉમેરીને કુલ 20 લાખથી વધુ રકમ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગાર્થે ફાળવવામાં આવશે. જો ભવિષ્યમાં સરકારની અન્ય યોજનાઓ કે જરૂૂરિયાત ઊભી થશે તો આ રકમમાં વિશેષ વધારો પણ કરવામાં આવશે.
આ સમગ્ર આયોજન અને જાહેરાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક, પક્ષના નેતા તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટની જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
