સૌરાષ્ટ્રમાં સાયબર ઠગાઈના નવા-નવા કીમિયાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે ગઠિયાઓએ દેશની સુરક્ષા સાથે સંકળાયેલા ભારતીય આર્મી ના અધિકારી અને કર્મચારીઓની ખોટી ઓળખ આપીને વેપારીઓને ચૂનો લગાવવાનું શરૂૂ કર્યું છે. આવો જ એક ગંભીર કિસ્સો ઉપલેટા શહેરમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડોલોમાઈટ પાવડરના વેપારી સાથે આર્મીના નામે રૂૂા. 7,55,956 ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપલેટાના કુતુબખાના વિસ્તારમાં બાગે અજીમ ટાવરમાં મામા પાનની સામે રહેતા 28 વર્ષીય યુવાન રિયાઝભાઈ વાહિદભાઈ કીડીયા સાથે ભારતીય આર્મી ના અધિકારી અને કર્મચારીઓની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપીંડીની શરૂૂઆત રિયાઝભાઈ ઉપર આવેલા ફોન કોલ અને મેસેજથી થઈ હતી. ફોન કરનાર શખ્સે પોતાનું નામ ’રાજીવ રંજન કુમાર’ જણાવ્યું હતું અને તે ભારતીય આર્મીમાં નાયક તરીકે ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે રિયાઝભાઈ ની કંપની પાસેથી 12 હજાર કિલો ડોલોમાઈટ પાવડરનો ઓર્ડર વોટ્સએપ પર મોકલી આપ્યો હતો.
આર્મીના નામે મોટો ઓર્ડર મળતાં વેપારીએ વિશ્વાસ રાખીને ઓર્ડર મુજબનો તમામ માલ તૈયાર કરી ટ્રક મારફતે રવાના કર્યો હતો. ત્યારબાદ, બીજા શખ્સે પોતાની ઓળખ કુલદીપસિંહ તરીકે આપી હતી અને તે પણ ભારતીય આર્મીનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું. રિયાઝભાઈ દ્વારા મોકલવામાં આવેલા માલનું પેમેન્ટ મેળવવા માટે વેન્ડર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પેમેન્ટ ક્લિયર કરવું પડશે તેવું બહાનું આગળ ધર્યું હતું.
બન્ને ગઠીયાઓએ લશ્કરની ઓળખની આડમાં રિયાઝભાઈ ને સંપૂર્ણપણે વિશ્વાસમાં લીધા હતા અને વેન્ડર રજીસ્ટ્રેશન તથા પેમેન્ટ ક્લિયરન્સના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં અને યુપીઆઈ માધ્યમથી કુલ રૂૂા. 7,55,956 જેટલી માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી. આટલું ઓછું હોય તેમ, આરોપીઓ હજુ પણ આજ રીતે પેમેન્ટ ક્લિયર કરવા માટે વધુ નાણાં ટ્રાન્સફર કરવા બાબતે ફોન કરી દબાણ કરી રહ્યા હતા.
જ્યારે રિયાઝભાઈ ને શંકા ગઈ અને સમગ્ર મામલાની ગંભીરતા સમજાઈ, ત્યારે તેમને અહેસાસ થયો કે તેમની સાથે આર્મી અધિકારીના સ્વાંગમાં મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. આ બનાવથી રિયાઝભાઈ ને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે રાજીવ અને કુલદીપ નામધારણ કરનાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમની આ ઘટનાને પગલે સ્થાનિક વેપારી વર્તુળોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે અને અજાણ્યા વ્યક્તિઓ સાથે ઓનલાઇન વ્યવહારો કે પેમેન્ટ બાબતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
