રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારોમાં નજીવા પ્રશ્ર્ને જૂદા-જૂદા 20 સ્થળે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ અને પોલીસ સતત દોડી રહી હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ઇમરજન્સી વિભાગ દર્દીઓથી ઉભરાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં મયુર લવજીભાઇ ધોળકીયા (ઉ.વ.20) પોતાના ઘર પાસે હતો ત્યારે નવીન સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. શાપરમાં દુલાર ભીમલભાઇ શાહ (ઉ.વ.40) સાથે અજાણયા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. રાજકોટમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કંપનીમાં કામ કરતા નીતીશ નારદભાઇ રામ (ઉ.વ.18)ને આકાશે હાથમાં પહેરવાનું કડુ ઝીંકી દીધુ હતું.
ગોંડલમાં જાફરશા મુઝફરશા શાહમદાર (ઉ.વ.25) રાજકોટની જૂની કોર્ટ પાસે હતો ત્યારે સાહીલ અને નદીમ સહિતના શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ભગવતીપરામાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા ગુલબાનુબેન હનીફભાઇ ગોંડલિયા નામના 45 વર્ષના પ્રૌઢા રેલવે સ્ટેશન પાસે હતા ત્યારે અજાણય શખ્સોએ માર માર્યો હતો. માલીયાસણમાં ફટાકડા ફોડવા મુદ્દે જપદીપ જગદીશભાઇ ભૂત (ઉ.વ.32), પ્રફૂલભાઇ ભૂત અને તેની પત્ની ઉપર ઉમર ઝૂણેજા અને આમીર સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. થોરાળા પાસે આંબેડકરનગરમાં રહેતા કમળાબેન દેવીદાસભાઇ પરમાર (ઉ.વ.60)ને નરેશ, નીલમબેન અને ચીરાગ સહિતના શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો. બજરંગવાડીમાં અરવિંદભાઇ મોહનભાઇ અજમેરીયા (ઉ.વ.60) ઉપર દિલીપસિંહ ઝાલા સહિતના શખ્સો કુહાડી વડે તૂટી પડ્યા હતા. માનસરોવરમાં આવેલી દેવકીનંદન સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન સવજીભાઇ સોલંકી (ઉ.વ.28) ભગીરથ સોસાયટી પાસે હતા ત્યારે કલ્પેશ અને મનુ નામના શખ્સે પાઇપ વડે માર માર્યો હતો.
બાલાજી હોલ પાસે ધરમનગરમાં રહેતા મહેશ પરબતભાઇ સીધવ (ઉ.વ.27) યુનિવર્સિટી રોડ પર હતો ત્યારે ઘના, ગોપાલ અને લાલાએ લાકડી વડે માર માર્યો હતો. મોરબી રોડ પર કાલીકા પ્લોટમાં રહેતા ભરત બાબુભાઇ સોલંકી (ઉ.વ.38)ને તેના ભાઇ રવિએ માર માર્યો હતો. નવાગામમાં અંજલીબેન સુનિલભાઇ મકવાણા (ઉ.વ.36) સાથે તેના પતિ સુનિલે ઝઘડો કરી તાવીથા વડે માર માર્યો હતો. કાંગશીયાળીમાં સોમ્યા મનીષભાઇ ચાવડા (ઉ.વ.17) અને બાદલ વાલજીભાઇ ચાવડા (ઉ.વ.23) ઉપર આયુષીબેન અને અરવિંદ સહિતના શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો.
રૂૂપેશ યાદવ (ઉંમર વર્ષ 26 રહે. કેસરીનંદન કંપની, નાની અમરેલી, તા.પડધરી, જિલ્લો રાજકોટ) ઉપરોક્ત કારખાનામાં સામેવાળા મિથુન અને સિંધુનએ પાઇપ વડે માર મારતા પડધરી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. મોરબીમાં અલ્તાફ ઇલ્યાસ માણેક (ઉંમર વર્ષ 25, રહે વીસીપરા મોરબી) પોતાના ઘર પાસે હતો ત્યારે સામેવાળા વલિયા, તૌફીક, નિઝામએ ઝઘડો કરી ઘોકા વડે માર મારતા મોરબી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં સારવાર લીધી હતી. બીજા બનાવમાં સંજય અજીતભાઈ (ઉંમર વર્ષ 35, રહે મહેન્દ્રનગર ખોડીયાર મંદિર પાસે મોરબી) પોતાના ઘર પાસે હતો ત્યારે અમિતે ઝઘડો કરી માર મારતા માથે અને શરીરે ઈજા થતા મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. ટંકારામાં હિતેશભાઈ હમીરભાઈ (ઉંમર વર્ષ 42, રહે.ટંકારા જીવાપરા શેરી) લતીપર ચોકડી પાસે હતા ત્યારે સામેવાળા ધવલ અને કનુ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને પાઇપ વડે માર મારતા માથે શરીરે ઇજા થતા રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા. જુનાગઢમાં મિતેશભાઈ ભરતભાઈ પરમાર (રહે.વાલ્મિકી વાસ જુનાગઢ) પોતાના ઘર પાસે હતો ત્યારે અજાણ્યા માણસોએ પથ્થર વડે માર મારતા જુનાગઢ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો.
ગોંડલમાં અક્રમ દાઉદ બાલપરીયા (ઉંમર વર્ષ 33, રહે.ફૂલવાડી પાર્ક, ગોંડલ) પોતાના ઘર પાસે હતો ત્યારે સામેવાળા હનીફ, આફતાબ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને ઢીંકા પાટુ અને કુંડા વડે માર મારતા માથે શરીરે ઈજા થઈ હતી. એવી જ રીતે ઝાફરશા મુંઝ્ઝફરશા શાહમદાર (ઉંમર વર્ષ 25, રહે ગોંડલ હાડકાધાર, ઘોઘાવદર રોડ જૂની કોર્ટ આદ્યશક્તિ ટી સ્ટોલ પાસે હતો ત્યારે સામેવાળા આદિલ અને નદીમ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને છરી અને પાઇપ વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતા પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. શાપર નજીક પારડીમાં રહેતા ભરતભાઈ છગનભાઈ બગડા (ઉંમર વર્ષ 32) શાપર બ્રિજ નીચે હતા ત્યારે સદામ અને તેની સાથેના વ્યક્તિએ ઝઘડો કરીને છરી વડે મારતા છાતીના ભાગે ઈજા થતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
