પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. રોનાલ્ડોએ પોર્ટુગલ માટે 234 મેચમાં 146 ગોલ કર્યા છે. પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ અને સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તેના નામે છે. વર્ષ 2016માં પોર્ટુગલને યુરો કપનો ખિતાબ અપાવવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
રોનાલ્ડોએ વર્ષ 2003માં પોર્ટુગલ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી. જોતજોતામાં તેઓ ટીમના સૌથી મહત્ત્વના ખેલાડી બની ગયા અને બાદમાં તેમને કેપ્ટનશિપની જવાબદારી પણ સોંપવામાં આવી. તેમની કારકિર્દીમાં અનેક એવા રેકોર્ડ બન્યા છે, જેને તોડવા કોઈપણ ખેલાડી માટે સરળ નહીં હોય.
રોનાલ્ડોએ પોર્ટુગલ માટે 234 મેચ રમીને 146 ગોલ કર્યા છે. પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમના નામે 6 ફિફા વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ પણ છે. તેઓ 2006, 2010, 2014, 2018, 2022 અને 2026ના ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમની કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિઓમાં વર્ષ 2016નો યુરો કપનો ખિતાબ સામેલ છે.
ફ્રાન્સમાં રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પોર્ટુગલે યજમાન ટીમને 1-0થી હરાવીને પ્રથમ વખત યુરોપિયન ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. ઇજાને કારણે રોનાલ્ડો ફાઇનલની આખી મેચ રમી શક્યા નહોતા, પરંતુ કેપ્ટન તરીકે તેમનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું હતું. ત્યારબાદ પોર્ટુગલે વર્ષ 2019 અને 2025માં UEFA નેશન્સ લીગનો ખિતાબ પણ જીત્યો હતો.
રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો સંદેશ દ્વારા પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે પોર્ટુગલની નંબર-7 જર્સીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે હવે આ જર્સી પરત સોંપવાનો સમય આવી ગયો છે. રોનાલ્ડોના જણાવ્યા અનુસાર, 23 વર્ષ સુધી આ જર્સી પહેરવી તેમના માટે ગર્વ અને જવાબદારીની વાત રહી છે. તેમણે કહ્યું કે તેમણે ક્યારેય આ જર્સીને માત્ર પોતાની નથી માની. આ જર્સી પોર્ટુગલ અને ત્યાંના લોકોની ઓળખ છે. આટલા લાંબા સમય સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે વિશેષ સન્માનની વાત રહી છે. હવે આ જવાબદારી આગામી પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે. રોનાલ્ડોએ એ પણ સ્પષ્ટ કર્યું કે પોર્ટુગલ હંમેશાં તેમના દિલમાં રહેશે. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ભલે પૂર્ણ થઈ રહી હોય, પરંતુ ક્લબ ફૂટબોલમાં તેમની સફર ચાલુ રહેશે. તેઓ હાલમાં સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસર માટે રમે છે.
કોચ જોર્જ જીસસ સાથેના વિવાદ બાદ વધ્યો હતો તણાવ
રોનાલ્ડોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે પોર્ટુગલની ટીમમાં તેમની અને મુખ્ય કોચ જોર્જ જીસસ વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા હતા. આ વિવાદની શરૂૂઆત નોર્વે સામેની નેશન્સ લીગની મેચથી થઈ હતી. 27 સપ્ટેમ્બરે ઓસ્લોમાં રમાયેલી આ મેચમાં પોર્ટુગલે 2-1થી જીત મેળવી હતી, પરંતુ રોનાલ્ડોને આખી મેચ દરમિયાન મેદાનમાં ઉતરવાની તક મળી નહોતી. મેચ પૂરી થયા બાદ રોનાલ્ડો સીધા ડ્રેસિંગ રૂૂમમાં જતા રહ્યા હતા. તેમણે મેદાનમાં રોકાઈને સાથી ખેલાડીઓ સાથે દર્શકોનું અભિવાદન પણ કર્યું નહોતું. ત્યારબાદ તેઓ પોર્ટુગલનો ટ્રેનિંગ કેમ્પ છોડીને જતા રહ્યા હતા. આ ઘટનાએ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને લઈને અટકળો તેજ કરી દીધી હતી.
