બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની પૂર્વઆયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી હત્યાના ચકચારી કેસમાં બોટાદની બીજા એડિશનલ એન્ડ સ્પેશિયલ (એટ્રોસિટી) કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે હત્યા અને ગુનાહિત કાવતરું સહિતની વિવિધ કલમો હેઠળ તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતાં સમગ્ર પંથકમાં આ ચુકાદો ચર્ચાનો વિષય બન્યો છે. આજીવન કેદ ઉપરાંત અદાલતે વિવિધ ગુનાઓ હેઠળ અલગ-અલગ કેદ અને દંડની સજા પણ ફટકારી છે. કેસની ફરિયાદ મુજબ, જાળીલા ગામના મનજીભાઈ સોલંકી સાથે આરોપીઓને જૂની અદાવત હતી. અગાઉના કોર્ટ કેસોમાં સમાધાન નહીં કરવાના કારણે આરોપીઓએ મનજીભાઈની હત્યા કરવાનું પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કાવતરાના ભાગરૂૂપે તા. 19 જૂન, 2019ના રોજ આરોપીઓ મારુતિ ઝેન કાર નંબર GJ-6-BA-8003માં હથિયારો સાથે આવ્યા હતા.
આરોપીઓએ મનજીભાઈની મોટરસાઇકલને કારથી ટક્કર મારી તેમને નીચે પાડી દીધા બાદ લાકડીઓ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં મનજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષાર મનજીભાઈ સોલંકીએ તા. 19 જૂન, 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
આ ચકચારી હત્યા કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષે કુલ 41 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત, કેસને લગતા 141થી વધુ દસ્તાવેજી પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકાર પક્ષે રજૂ કરાયેલા પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને સમગ્ર કેસની હકીકતોને ધ્યાને લઈ અદાલતે તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 120(બી) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) હેઠળ તમામ આરોપીઓને આજીવન કેદ અને રૂૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. જ્યારે કલમ 394 હેઠળ આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 504 હેઠળ 1 વર્ષની કેદ, કલમ 506(2) હેઠળ 7 વર્ષની કેદ, કલમ 427 હેઠળ 6 મહિનાની કેદ, કલમ 143 અને 147 હેઠળ 6-6 મહિનાની કેદ તથા કલમ 148 હેઠળ 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(િ)(ત) હેઠળ 5 વર્ષની કેદ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ 6 મહિનાની કેદનો હુકમ પણ કરવામાં આવ્યો છે.આ કેસમાં દોષિત ઠરેલા 9 આરોપીઓમાં જીલુ આપભાઈ ખાચર, કિશોર જીલુભાઈ ખાચર, ભગીરથ જીલુભાઈ ખાચર, અશોક કનુભાઈ ખાચર, વનરાજ કનુભાઈ ખાચર, પ્રતાપ કનુભાઈ ખાચર, હરદીપ ભરતભાઈ ખાચર, ઋતુરાજ અશોકભાઈ ખાચર અને રવિરાજ અશોકભાઈ ખાચરનો સમાવેશ થાય છે.
