સાયલાના મોરસલ ગામે પિતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ ગુસ્સામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલાના મોરસલ ગામે રહેતા ચંદ્રેશ ચન્નાભાઇ વાવડીયા નામનો 19 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચંદ્રેશ વાવડીયા બે ભાઇમાં મોટો છે. ચંદ્રેશ વાવડીયાએ મોબાઇલ લેવાની જીદ પકડી હતી. પરંતુ પિતાએ મોબાઇલ લેવાની ના પાડતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં આવેલા રૂષભનગરમાં રહેતા અને ટ્રેડિંગનો વ્યવસાય કરતા કલ્પેશભાઇ ભૂપતભાઇ રવેશીયા (ઉ.વ.45) પોતાના ઘર પાસે હતા ત્યારે રાજેન્દ્રસિંહ અને તેના પુત્ર ઓમદેવસિંહ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વેપારી પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
