ચૂંટણીઓ વચ્ચે ઈરાનના કેશ્મ દ્વીપ પર પાંચ વિસ્ફોટથી ખળભળાટ: અમેરિકાએ હુમલો કર્યાનો અહેવાલ

  ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે એક પછી એક પાંચ જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કેશ્મ દ્વીપ ઉપરાંત નજીકના બંદર…

 

ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે એક પછી એક પાંચ જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કેશ્મ દ્વીપ ઉપરાંત નજીકના બંદર શહેર લેંગેહમાં પણ વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ ઘેરો બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

દરમિયાન અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલએ અમેરિકન અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકાએ કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો છે. જોકે, ઈરાનની સરકારી એજન્સીઓના અહેવાલોમાં આ વિસ્ફોટો પાછળ અમેરિકા કે ઇઝરાયલનો હાથ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે તેની સેનાએ બે અમેરિકન MQM-170 જાસૂસી ડ્રોન તોડી પાડ્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાએ મોટો હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા ઈરાન પર ગુપ્ત રીતે નાના સ્તરના હુમલા કરી રહ્યું હોવાની વાત પણ અહેવાલમાં કરવામાં આવી છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે મોટું યુદ્ધ ટળી શકે તેવી આશા વ્યક્ત કરી હતી.

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પૂર્ણ થયા બાદ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ વધુ એક મોટો હુમલો કરવા દબાણ કરી રહ્યા હતા. મધ્યસત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાથી દૂર રહેતા હોવાની ચર્ચા હતી, જ્યારે ઇઝરાયલ તરફથી સૈન્ય કાર્યવાહી માટે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *