શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં કામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી. પિતાએ પુત્રીનો મોબાઈલ ફોન ગુસ્સામાં ફેંકી દેતાં ઉશ્કેરાયેલી પુત્રીએ કૂકરના ઢાંકણા અને છરી વડે પિતા પર હુમલો કર્યો હતો. ગુસ્સામાં આવેલી 22 વર્ષીય પુત્રીએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી હતી. આ ગંભીર ઘટના બાદ માતાએ જાતે જ પોતાની પુત્રી કાજલ ઉર્ફે વિક્રમ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, કોસાડ આવાસમાં રહેતા 55 વર્ષીય રમેશસિંહ કૈલાસસિંગ રાજપૂત અને તેમની સૌથી નાની પુત્રી કાજલ ઉર્ફે વિક્રમ (ઉં.વ. 22) વચ્ચે 31 ઓક્ટોબરની રાત્રે આશરે 10:30 વાગ્યે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન પિતાએ ગુસ્સામાં આવીને પુત્રીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી જમીન પર ફેંકી દીધો હતો.
મોબાઈલ ફોન ફેંકી દેવાની ઘટનાથી કાજલ ઉર્ફે વિક્રમ એટલી ઉશ્કેરાઈ ગઈ હતી કે તેણે ઘરમાં પડેલું કૂકરનું ઢાંકણું અને છરી હાથમાં લઈ પિતા પર હુમલો કરી દીધો હતો. તેણે પિતાના માથાના ભાગે કૂકરના ઢાંકણાથી ઘા કર્યા હતા, જ્યારે પેટના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંક્યો હતો. અચાનક થયેલા હુમલાથી રમેશસિંહ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા.
પુત્રીના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રમેશસિંહ લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર ઓટલા તરફ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. બનાવને પગલે પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, તપાસ દરમિયાન તબીબોએ રમેશસિંહને મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર મામલે મૃતકની પત્ની મંજુબેન ઉર્ફે ચંપાબેને પોતાની જ પુત્રી કાજલ ઉર્ફે વિક્રમ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રીની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.માત્ર મોબાઈલ ફોન ફેંકી દેવા જેવી બાબત અને ઘરકામને લઈને થયેલી તકરારનો અંત પિતાની હત્યામાં આવતાં કોસાડ આવાસ વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
