આગામી દિવાળીનાં તહેવારોને લઈને ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મનપાનાં ફાયર વિભાગ પાસે મંજૂરી લેવી જરૂૂરી છે. રાજકોટનાં જુદા-જુદા ફાયર સ્ટેશનો પર આ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગને કુલ 205 અરજીઓ મળી છે. જે પૈકી 13 સ્થળોએ ચેકીંગ કરીને અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. બાકીની 192 અરજી હાલમાં પેન્ડિંગ હોય ફાયરની ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ત્રણેક દિવસ પહેલા પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાની અમલવારી માટે મનપાએ જે 30 અરજીઓ મંજૂર કરી હતી એ તમામ અરજી પોલીસ તંત્રે મનપાને રીર્ટન કરી! ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ફાટકડાનો વેપાર કરવા માટે ફાયર એનોસીની જરૂૂર નથી. પણ ફાયર વિભાગનો અભિપ્રાય લેવો ખાસ ફરજિયાત હોય છે.
ત્યારબાદ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આવું ટેમ્પરરી લાયસન્સ મેળવવા માટે અને ફટાકડાના વેચાણ માટે ઊભા કરવામાં આવતા સ્ટોલ પર 1,000 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી અથવા હોઝ રીલ ફરજિયાત રાખવાની રહે છે. આ ઉપરાંત આગ પર કાબૂ મેળવવા માટે સી.ઓ.ટૂ. અને એ.બી.સી. પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર તેમજ ફાયર મોડ્યુલ જેવા બેઝિક ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડે છે. તેમજ આ સાધનોનો ઉપયોગ કરતા વેપારીને આવડે છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ અભિપ્રાય આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ફાયર વિભાગ પાસે કુલ 205 અરજીઓ આવી પહોંચી છે. આ તમામ અરજીઓની ચકાસણી કરવા માટે ફાયર વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ છે. મળેલી કુલ અરજીઓમાંથી ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ પર જઈને રૂૂબરૂૂ ચકાસણી કરવામાં આવી છે અને 13 વેપારીઓને તેમના સ્થળ માટેનો અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલી 192 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે.
ઉલ્લેખનીય છે કે, ફટાકડાના અસ્થાયી સ્ટોલ કે દુકાનો માટે ફાયર સેફ્ટીના પ્રાથમિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. હાલ રાજકોટ શહેરમાં 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા મોટા સ્ટોલ કે પ્રીમાઇસીસ હાલ ઉપલબ્ધ નથી, જેથી મોટા એકમો માટે એનઓસી અંગેના પ્રશ્નો ઊભા થતા નથી. જોકે ફાયર વિભાગ દ્વારા તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ કરીને સુરક્ષાના ધોરણો ચકાસ્યા બાદ આગળની મંજૂરીઓની પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે, જેથી તહેવારો દરમિયાન કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત નિવારી શકાય.
‘રેકડીઓમાં વેંચાતા ફટાકડાની જવાબદારી પોલીસની છે’, ફાયર બ્રિગેડે આપી ખો
શહેરમાં દીવાળીના આગલા એક એઠવાડિયાથી રોડ, શેરી-ગલ્લીઓમાં રેકડીઓમાં ફટાકડાની ફેરીઓ ચાલુ થઇ જાય છે. અમુક જગ્યાએ તો ટ્રાફિકથી ધમધમતા રોડ અને ચોકમાં ફટાકડાની રેકડીઓ ખડકાઇ જતી હોય છે. આવી રેકડીઓમાં ફટાકડાનો એક નાનો એવો તણખો ક્યાંકથી ઉડતો ઉડતો આવે અને મોટી દૂઘર્ટના સર્જાય તો જવાબદાર કોણ? એવા એક સવાલ અંગે મનપાના ફાયર ઓફિસરે એવુ કહ્યુ હતુ કે, અમારી જવાબદારી માત્ર ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી અને એન.ઓ.સી. આપવાની છે. રેકડીઓમાં વેંચાતા ફટાકડાની જવાબદારી પોલીસની છે.
