રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટને તોડીપાડીને હોકર્સઝોન બનાવવાની યોજના પડતી મુકીને માત્ર રિનોવેશન દ્વારા જ કામ ચલાવવાનો નિર્ણય મનપાઅ લીધા પછી હવે આ રિનોવેશનને પણ પડતું મુકીને તહેવારો પર માર્કેટ ખોલી દેવાનો નિર્ણય શાસકોએ બારોબાર લીધો હોવાની એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. વેપારીઓની માગણી અને વોટબેંકને ધ્યાનમાં રાખી શાસકોના દબાણને વશ થઇ બાંધકામ શાખાએ એસ્ટેટ વિભાગનો લેખિત અભિપ્રાય પુછ્યા વગર જ માર્કેટ ફરી ચાલુ કરી દેવામા આવી અને તેમા મ્યુનિસિપલ કમિશનરની સૌધ્ધાંતિક મંજૂરી પણ ન હોવાની પણ એક ચર્ચા છે.
એક સમયે બાંધકામ શાખાએ જ લાખાજીરાજ માર્કેટ અતિ જોખમી અને જર્જરિત હોવાનો અહેવાલ આપીને માર્કેટ ખાલી કરાવવા માટે આદેશ ર્ક્યો હતો. ત્યારે અચાનક જ આ માર્કેટ રિનોવેશન વગર જ સલામત કેવી રીતે બની ગઇ ? આવા સંજોગોમાં જો કોઇ દુર્ઘટના બને તો કોને જવાબદાર ગણાશે ? તેવો મુદ્દો મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગત વર્ષે બાંધકામ શાખાએ ધર્મેન્દ્ર રોડ પરની રાજાશાહી વખતની લાખાજીરાજ માર્કેટ અતિ જોખમી જર્જરિત હોવાનો અને આખી માર્કેટનું ડિમોલિશન કરીને અત્યાધુનિક હોકર્સ ઝોન બનાવવાનો નિર્ણય લીધો હતો. અને આ માટે નાણાંકિય બજેટમાં જોગવાઇ પણ કરવામાં આવી હતી. બાંધકામ શાખાના આદેશ મુજબ એસ્ટેટ વિભાગે લાખાજીરાજ માર્કેટના થડા ધારકોને જ્યુબિલી શાક માર્કેટમાં થડાં ફાળવીને ગત દિવાળીના તહેવાર બાદ આખી માર્કેટ ખાલી કરાવીને સીલ કરી દીધી હતી.
આ પછી બાંધકામ શાખાને યાદ આવ્યું હતું કે લાખાજીરાજ માર્કેટ હેરિટેજ બિલ્ડિંગ છે અને રાષ્ટ્રપિતા મહાત્માગાંધીએ જ્યારે રાજકોટ સત્યાગ્રહ ર્ક્યા એ સમયે આ માર્કેટનો જેલ તરીકે ઉપયોગ થયો હતો. માર્કેટ હેરિટેજ બિલ્ડિંગ હોવાથી તેના ઢાંચામાં અને બાંધકામમાં કોઇ ફેરફાર કરવો શક્ય નહોય નવીનીકરણની યોજના પડતી મુકાઇ હતી અને આ માર્કેટ અતિ જોખમી અને જર્જરિતની કેટેગરીમાંથી નીકળી ગઇ હતી. અને લાખાજીરાજ માર્કેટનું માત્ર રિનોવેશન કરવાનો જ નિર્ણય લેવાયો હતો.
જાણવા મળ્યા મુજબ એસ્ટેટ શાખા હસ્તકની મિલકતોમાં શાક માર્કેટ પણ આવે છે ત્યારે એસ્ટેટ વિભાગને જ અંધારામાં રાખવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ બાંધકામ શાખાએ શાસકોના ઘૂંટણિયે પડીને માર્કેટના જર્જરિત ભાગમાં પતરાની આડચ કરીને માર્કેટ ખોલી દેવા માટે કમિશનરને પત્ર દ્વારા જાણ પણ કરી નહોતી કે પતરાંની આડચ કરવા માટે કમિશનરની સૈધ્ધાંતિક મંજૂરી પણ લીધી નહોતી. માર્કેટ સીલ થયા પછી બાંધકામ શાખા પાસે માર્કેટની ચાવીનો કબજો હતો. આથી કમિશનરની ઉપરવટ જઇને બાંધકામ શાખાએ વહિવટી પાંખના વડા અધિકારી એવા કમિશનરની સૈધ્ધાંતિક મંજૂરી વગર અને મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનને પણ સાચી હકિકતથી અંધારામાં રાખીને બારોબાર જ આ ચાવી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને સુપરત કરી દીધી હોવાનુ જાણવા મળે છે.
આશ્ર્ચર્યની વાત તો એ છે કે એક સમયે બાંધકામ શાખાએ જ જે માર્કેટ અતિ જોખમી જર્જરિત અને ભયજનક હોવાનો લેખિત અભિપ્રાય આપીને લાખાજીરાજ માર્કેટ ખાલી કરાવી હતી એ જ માર્કેટ રિનોવેશન વગર જ અચાનક કેમ સલામત બની ગઇ ? બાંધકામ શાખાએ વેપારીઓને ભયજનક માર્કેટમાં કેવી રીતે પ્રવેશ આપવા દીધો ? તે મુદ્દો હવે વિવાદ જગાડે એવો બની ગયો છે.
બાંધકામ શાખાએ મંજૂરી શા માટે નથી લીધી? અધિકારીનો ખુલાસો પૂછાશે : મેયર
દરમિયાન મેયર ડો. નેહલ શુકલે વાતચિતમાં કહ્યુ હતું કે લાખાજીરાજ માર્કેટ જર્જરિત અને જોખમી છે પણ હેરિટેજ બિલ્ડિંગ હોવાથી તેનું નવનિર્માણ થઇ શકે તેમ નથી. આથી આ માર્કેટનું રિનોવેશન કરવાનું નક્કી કરાયું છે. હાલમાં બાંધકામ શાખાએ જે ભાગ જર્જરિત છે ત્યાં પતરાંની આડચ મારી છે. આ ભાગમાં વેપારીઓને બેસવા નહીં દેવાય. કેટલીક બાબતોમાં કમિશનરની સૈધ્ધાંતિક મંજૂરી લેવી જરૂૂરી હોય છે ત્યારે બાંધકામ શાખાએ આવી મંજૂરી લીધી છે કે કેમ ? અને જો નથી લીધી તો શા માટે નથી લીધી ? તે બાબતે તપાસ કરીને જરૂૂર પડ્યે અધિકારીઓનો ખુલાસો પણ પુછાશે.
