રાજકોટ શહેરના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા ખાનગી શાળાના શિક્ષક મિતેશ તેરૈયાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો હતો. યુવાન સળગતી હાલતમાં ઘરમાંથી બહાર નીકળતા આસપાસના લોકો હતપ્રભ થઈ ગયા હતા. પડોશીઓએ તેને ગોદળાથી ઢાંકી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાન બચી શક્યો ન હતો. 7 વર્ષ પહેલાં યુવાનના લગ્ન થયા હતા, પરંતુ ત્યારબાદ બે વર્ષમાં જ છૂટાછેડા થઈ ગયા હતા. એકલવાયાપણાને કારણે ડિપ્રેશનમાં આવી જતા યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા પરિવારજનોએ વ્યક્ત કરી છે.
માલવિયાનગર પોલીસ મથકના ઙજઈં સી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, મૃતક મિતેશ જયસુખભાઈ તેરૈયાના બનેવીના કહેવા પ્રમાણે, તે છેલ્લા 15 દિવસથી ગુમસુમ રહેતો હતો. જેને કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. મૃતક કોઠારીયા રોડ ઉપર આવેલી જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. 34 વર્ષના મિતેશના લગ્ન થઈ ગયા હતા, પરંતુ 5 વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. આંબેડકરનગરમાં મવડી 50 વારીયા સ્લમ ક્વાર્ટસમાં તેનું મકાન હતું, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતા બહેન-બનેવી સાથે રહેતો હતો. યુવાનના માતા-પિતા પણ હયાત નથી.
18 ઓક્ટોબરના બપોરે તે 2 વાગ્યા પહેલા આંબેડકરનગરમાં આવેલા પોતાના મકાન પર આવ્યો હતો અને ઘરમાં પહોંચી કેરોસીનનું ડબલુ પોતાના શરીર પર છાંટી દીવાસળીથી આગ ચાંપી દીધી હતી. જે બાદ તે સળગતી હાલતમાં ઘરમાંથી બહાર રસ્તા પર નીકળી ગયો હતો જેથી આસપાસમાં રહેતા પડોશીઓ દ્વારા તેને ગોદળાથી ઢાંકવામાં આવ્યો હતો પરંતુ વધુ પડતા સળગી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
