શાપરમાં મહિલા સ્કૂટર ચાલકે ઠોકર મારતા રેલનગરના કારખાનેદાર યુવાનનું કરૂણ મોત

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ઉત્સવ સ્ટાર રેસિડેન્સીમાં રહેતા 27 વર્ષના આશાસ્પદ કારખાનેદાર મોહિતભાઈ દિલીપભાઈ વાસાણી ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના કારખાનેથી એક્ટિવા લઈને ઘરે…

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ઉત્સવ સ્ટાર રેસિડેન્સીમાં રહેતા 27 વર્ષના આશાસ્પદ કારખાનેદાર મોહિતભાઈ દિલીપભાઈ વાસાણી ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના કારખાનેથી એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શાપર નજીક આવેલા પુલ પાસેથી પસાર થતી વખતે અચાનક એકટીવા ચાલક મહિલાએ વળાંક લેતાં અથવા કાબૂ ગુમાવતાં મોહિતભાઈનું એક્ટિવા સ્લિપ થઈ ગયું હતું.
આ ગંભીર અકસ્માતમાં મોહિતભાઈ રોડ પર જોરદાર પટકાયા હતા અને તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ તરત જ તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચેની જંગ લડતા આખરે સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતની ઘટનાથી વાસાણી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક મોહિતભાઈ પોતાના માતા-પિતાના એકના એક પુત્ર હતા, અને તેમના લગ્નને હજી માત્ર ત્રણ વર્ષ જેટલો જ ટૂંકો સમય થયો હતો. તેઓ શાપર ઔદ્યોગિક વસાહતમાં ’ઓમ કેર’ નામે પોતાનું કારખાનું ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભવિષ્યના અનેક અરમાનો સાથે મહેનત કરતા 27 વર્ષના એકના એક લાડકવાયા દીકરાના અકાળે અવસાનથી રેલનગર વિસ્તારમાં અને તેમના સ્નેહીજનોમાં ભારે અરેરાટી સાથે ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *