ધગધગતું ગુજરાત : દર 10 વર્ષે 2.3 ગરમ દિવસોમાં વધારો

રાત્રી તાપમાન પણ સતત વધી રહ્યુ છે, કૃષિ પાકોને પણ અસર, IMD અને ICARના વૈજ્ઞાનિકોનું સંશોધન ઓક્ટોબર મહિનો અડધો વીતી ગયા છતાં ગુજરાતમાં હજુ સુધી…

રાત્રી તાપમાન પણ સતત વધી રહ્યુ છે, કૃષિ પાકોને પણ અસર, IMD અને ICARના વૈજ્ઞાનિકોનું સંશોધન

ઓક્ટોબર મહિનો અડધો વીતી ગયા છતાં ગુજરાતમાં હજુ સુધી શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનું નામ નથી લઈ રહ્યો, અને તેના બદલે આકાશમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન છેલ્લા છ દિવસથી 37 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે, જ્યારે રાજકોટ અને ભુજ જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. આ વચ્ચે તાજેતરમાં સામે આવેલા એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસે રાજ્યવાસીઓની ચિંતા વધારી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) ના વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અને ’ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ક્લાઇમેટોલોજી’ માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ’સ્પેટિઓટેમ્પોરલ ઇવોલ્યુશન ઓફ ટેમ્પરેચર એક્સ્ટ્રીમ્સ અક્રોસ ઇન્ડિયાઝ એગ્રો-ક્લાઇમેટીક ઝોન્સ’ શીર્ષક હેઠળના આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 1951થી 2025 સુધીના સમયગાળા દરમિયાન, દરેક દશકામાં 35 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાન ધરાવતા દિવસોની સંખ્યામાં સરેરાશ 2.3 દિવસનો વધારો થયો છે.આ અભ્યાસના મુખ્ય લેખક અને આઈએમડીના એગ્રોમેટ એડવાઇઝરી સર્વિસીઝ ડિવિઝનના વૈજ્ઞાનિક ડો. આશુતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે સંશોધનમાં દેશના 14 કૃષિ-આબોહવા ઝોનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ગુજરાત મુખ્યત્વે ’ગુજરાત પ્લેઇન્સ એન્ડ હિલ્સ’ ઝોન હેઠળ આવે છે. આ ક્ષેત્ર માટેના ડેટા દર્શાવે છે કે વર્ષની સૌથી ઠંડી રાત્રિ પણ દર દશકે આશરે 0.17 ડિગ્રી સેલ્સિયસ ગરમ થઈ રહી છે, જ્યારે વર્ષનો સૌથી ગરમ દિવસ દર દશકે આશરે 0.14 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યો છે.

અભ્યાસમાં માત્ર દિવસો જ નહીં પરંતુ રાત્રિના તાપમાનમાં પણ સતત વધારો થતો હોવાનું નોંધવામાં આવ્યું છે. દશકાઓ દરમિયાન 20 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ લઘુત્તમ તાપમાન ધરાવતી રાતોની સંખ્યામાં દર દશકે 1.5 દિવસનો વધારો થયો છે. આ ઉપરાંત, કપાસની મોસમ (એપ્રિલથી ઓક્ટોબર) દરમિયાન એકત્ર થતી ગરમી પણ પ્રતિ દશક 21.6 ’હીટ યુનિટ્સ’ વધી રહી છે, જે સ્પષ્ટ કરે છે કે ઋતુઓ વધુ ગરમ થઈ રહી છે.

વિજ્ઞાનીઓના મતે, આ તાપમાનમાં સતત વધારો ગુજરાતના મુખ્ય પાકો જેવા કે કપાસ, મગફળી અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા વાતાવરણને પણ પ્રભાવિત કરી રહ્યો છે. જોકે આ વ્યાપક તાપમાન વૃદ્ધિ વૈશ્વિક આબોહવા પરિવર્તનની ગંભીર અસરો તરફ અંગુનિર્દેશ કરે છે, જે આગામી સમયમાં માનવજીવન અને ખેતીવાડી બંને માટે એક મોટો પડકાર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *