ધ્રાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સાડા ત્રણ લાખ રૂૂપિયાની લોન સામે દસ લાખ રૂૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોર દ્વારા વધુ પૈસાની માંગણી કરી ધમકીઓ આપવામાં આવી રહી હતી.
આખરે, પીડિત પત્નીએ વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ચંદ્રાસર ગામના મનહરભાઈ માધરે વર્ષ 2019માં રાજસીતાપુર ગામના જયેશભાઈ કાળુભાઈ દેત્રોજા પાસેથી સામાજિક કામ માટે 3.50 લાખ રૂૂપિયા હાથ ઉછીના લીધા હતા. જયેશભાઈએ આ રકમ પર 10 ટકા વ્યાજ ગણવાનું શરૂૂ કર્યું હતું. વર્ષ 2023 સુધીમાં મનહરભાઈ અને તેમના પત્ની જાગૃતિબેને કુલ દસ લાખ રૂૂપિયા ચૂકવી દીધા હતા.
આટલી મોટી રકમ ચૂકવ્યા છતાં, વ્યાજખોર જયેશભાઈ દ્વારા દંપતીને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી અને જાગૃતિબેન પાસે બીભત્સ માંગણીઓ પણ કરવામાં આવતી હતી. વ્યાજખોરની સતત ધમકીઓથી મનહરભાઈ માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા.પરિવારે વર્ષ 2022માં જયેશભાઈને વધુ ચાર લાખ રૂૂપિયા આપી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો.સમાધાન સમયે દંપતી જયેશભાઈને આપેલા ચેક પરત લેવાનું ભૂલી ગયા હતા. આનો લાભ ઉઠાવીને જયેશભાઈ દેત્રોજાએ તે ચેક રિટર્ન કરાવી દંપતી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આથી, જાગૃતિબેન માધરે અંતે વ્યાજખોર જયેશભાઈ કાળુભાઈ દેત્રોજા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
