રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વીથ મર્ડરના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર ટોળકીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવામાં આવી છે. સાથે જ લૂંટનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી લાલભાઈ સરધારા સોના-ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેમને આંતરી દાગીનાથી ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લાલભાઈએ લૂંટારુઓનો પ્રતિકાર કરતાં એક શખ્સે તેમની છાતીના ભાગે ગોળી ધરબી દીધી હતી. ગોળી વાગતાં લાલભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, આ ગુનામાં પરપ્રાંતિય શખ્સોની ગેંગ સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે અને આશરે નવ શખ્સોની સંડોવણી ખૂલી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ અને ગુનાને લગતી અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં લૂંટારુઓ અંદાજે એક કિલો સોનું અને બે કિલો ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 1.53 કરોડનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસ તપાસ તેજ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં તહેવારોના માહોલ વચ્ચે 48 કલાકમાં હત્યાની બીજી ઘટના સામે આવતાં કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા હતા. ત્યારે હવે આ લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીઓ ઝડપાતાં પોલીસને મોટી સફળતા મળી છે.
