રેલનગરમાં બંધ ઘરમાંથી માતા-પુત્રની લાશો મળી આવતા ભારે ચકચાર

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા જાડેજા ચોક નજીક એક અત્યંત કરુણાસ્પદ અને હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડાતા…

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા જાડેજા ચોક નજીક એક અત્યંત કરુણાસ્પદ અને હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડાતા એક 70 વર્ષિય વયોવૃદ્ધ માતા અને તેમના 45 વર્ષિય આધેડ પુત્રનું એક જ દિવસે કરૂૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ બંને લાચાર જીવ ઘરમાં એકલા જ રહેતા હતા અને ગંભીર રોગના ભોગ બનેલા હોવાથી એકબીજાની સંભાળ રાખવા માટે પણ સક્ષમ ન હતા, જે આખરે તેમના માટે કાળ સાબિત થઈ છે.

ઘટનાની વિગતો મુજબ, રેલનગર સ્થિત પોસ્ટ ઓફિસ પાસે રહેતા મનહરબા ભરતસિંહ ગોહિલ (ઉ.વ.70) અને તેમના પુત્ર રણજીતસિંહ ભરતસિંહ ગોહિલ (ઉ.વ.45) ઘરમાં એકલા જ જીવન ગુજારતા હતા. માતા મનહરબા ગંભીર બીમારીના કારણે લાંબા સમયથી પથારીવશ હતા અને હલનચલન કરી શકતા નહોતા, જ્યારે તેમનો પુત્ર રણજીતસિંહ ગેંગરીનની અત્યંત પીડાદાયક બીમારીથી પીડાતો હતો. બંને જણ શારીરિક રીતે લાચાર હોવાથી ઘરમાં તેમની મદદ કરનાર કે દરકાર લેનાર અન્ય કોઈ સભ્ય હાજર નહોતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, બીમારીના કારણે પુત્ર રણજીતસિંહનું આશરે બે થી ત્રણ દિવસ પહેલાં જ ઘરમાં રહસ્યમય રીતે અવસાન થઈ ગયું હતું. પથારીવશ માતા પોતે હલનચલન કરવા અસમર્થ હોવાથી અને આ બાબતથી સંપૂર્ણ અજાણ હોવાને કારણે, પુત્રનો મૃતદેહ ઘરમાં જ પડી રહ્યો હતો અને સમય જતાં દેહ કોહવાઈ ગયો હતો. ગઈકાલે અચાનક આ બંધ ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવવાનું શરૂૂ થતાં આજુબાજુના પાડોશીઓને શંકા ગઈ હતી. જેથી પાડોશીઓએ ભેગા મળીને તપાસ કરી ત્યારે ઘરમાં બનેલી આ ભયાનક ઘટનાની જાણ થઈ હતી.

અડોશી-પડોશીઓએ ત્વરિત માનવતા અને કાળજી દાખવીને બંનેને અત્યંત ગંભીર અને બેભાન અવસ્થામાં સારવાર અર્થે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરીને રણજીતસિંહને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં સારવાર હેઠળ રખાયેલા માતા મનહરબાએ પણ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીની જાણના આધારે પ્રદ્યુમનનગર પોલીસે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *