હર્ષ સંઘવીના પ્રવાસને લઇ રાજકોટ શહેર-જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ એલર્ટ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ અને ચોટીલાના એક દિવસીય પ્રવાસે છે. જે અન્વયે રાજકોટ શહેર અને જીલ્લા તેમજ સુરેન્દ્રનગર પોલીસે સુરક્ષા વ્યવસ્થાને સમિક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવશે, ત્યાંથી ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરે દર્શનાર્થે જશે. ચોટીલા ખાતે તેઓ માતાજીની ધ્વજા પૂજા વિધિ સંપન્ન કરી ધ્વજારોહણ કરશે તેમજ મંદિર પરિસરમાં આયોજિત પોલીસ પરિવારના ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ તેઓ રાજકોટ જિલ્લાના શાપર ખાતે નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું લોકાર્પણ તેમજ જીલ્લા પોલીસને આઇએસઓ સર્ટિફિકેટ વિતરણ અને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ તથા ખેડૂતોને દસ્તાવેજ એનાયત કરશે. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી રાજકોટ આવશે શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત ’ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ’માં ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ’ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત’ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના 259, મોરબી જિલ્લાના 53, સુરેન્દ્રનગર જિલ્લાના 01 અને કચ્છ જિલ્લાના 06 મળી કુલ 319 અરજદારોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આવતીકાલના પ્રવાસને લઇ રાજકોટ શહેર-જીલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ એલર્ટ બની છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા. જયારે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા યોજેલ સમિક્ષા બેઠકમાં અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા સહીત તમામ એસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
