વડોદરા શહેરમાં લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયા દરમિયાન એક ગંભીર અને ચોંકાવનારું બોગસ કોલ લેટર કાંડ સામે આવ્યું છે. LRD ભરતીની શારીરિક કસોટી (ફિઝિકલ)માં પાસ થયા બાદ લેખિત પરીક્ષામાં નાપાસ થયેલી એક 19 વર્ષિય યુવતીએ સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં અન્ય ઉમેદવારના અસલી કોલ લેટરમાં ચેડાં અને સુધારો કરીને પોતાના નામનો બોગસ કોલ લેટર બનાવી દીધો હતો.
આ કારસ્તાન કરનાર યુવતીની ઓળખ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાંટાસવેલ ગામની રહેવાસી 19 વર્ષિય કેતીબેન પટેલ તરીકે થઈ છે. યુવતી બોગસ કોલ લેટર લઈને વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી માટે પહોંચી હતી. જ્યાં વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કમિટીને શંકા જતાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.
આ મામલે વેરિફિકેશન કમિટીના સંકલન ઇન્ચાર્જ સંજય વસાવા દ્વારા તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 19 વર્ષિય કેતીબેન પટેલ સામે ઇગજ (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 336 (2), 336 (3 ), 337 અને 340 (2) હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂૂ કરી છે.
