વાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ છે. બંને મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ નેપાળના વતની હાલ મોરબીના રવાપર રોડ બોની પાર્ક બહુચર પેલેસની ઓરડીમાં રહેતા ચંદ્ર મનસિંગ તીરૂૂવા (ઉ.વ.35) નામના યુવાન ગત તા. 09 ના રોજ સાંજના સમયે લીલાપર કેનાલ રોડ પર બોરિયા પાટી બજરંગ સર્કલ નાલા પાસે કોઈ કારણોસર કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં વાંકાનેરના વિસીપરા ધમલપર ફાટક પાસે રહેતા હરેશભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ.58) વાળા ગત તા. 09 ના રોજ બપોરે પોતાની રીક્ષા મહાનદીમાં ધોવા માટે ઢુવા પાસે આવેલ મહાનદીમાં ગયા હતા અને કોઈ કારણોસર નદીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં મોરબીના બેલા રંગપર નજીક આવેલ લેપવિંગ કારખાનામાં રહીને કામ કરતા મનોજભાઈ ગરવાલની 9 વર્ષની દીકરી મુસ્કાન લેબર કોલોનીમાં માટીના ઢગલા પાસે રમતી હતી અને અકસ્માતે મોત થયું હતું. બાળકીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
