વૃધ્ધ દંપતી સાથે દુબઇના વિઝાની લાલચે રૂા. 17.58 લાખની ઠગાઈ

રાજકોટ શહેરના ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા અને અગાઉ સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઈલનો ધંધો ચલાવી નિવૃત્ત જીવન વિતાવતા 72 વર્ષીય વયોવૃદ્ધ ચીમનલાલ નારણભાઈ પટેલ અને તેમના પત્ની અલ્કાબેન…

રાજકોટ શહેરના ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા અને અગાઉ સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઈલનો ધંધો ચલાવી નિવૃત્ત જીવન વિતાવતા 72 વર્ષીય વયોવૃદ્ધ ચીમનલાલ નારણભાઈ પટેલ અને તેમના પત્ની અલ્કાબેન સાથે રૂૂ. 17.58 લાખથી વધુની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ચીમનલાલ પટેલે પોતાની નિવૃત્તિની મૂડીમાંથી વિમલ નગર મેઇન રોડ પર આવેલ ‘વસંત માર્વેલ’ સોસાયટીમાં સી-501 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો, જેને ભાડે આપવા માટે દલાલ મારફતે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વતની અનુજ પ્રકાશ સાથે મુલાકાત થઈ હતી. અનુજે માસિક રૂૂ. 21,000ના ભાડાથી આ ફ્લેટ રાખ્યો હતો અને થોડા સમયમાં જ પોતે અમેરિકાની બેંકમાં ઓનલાઈન નોકરી કરે છે તથા કેનેડાની સીટીઝનશિપ ધરાવે છે તેવી મોટી વાતો કરી મકાનમાલિક સાથે ગાઢ સંબંધો કેળવી લીધા હતા. વૃદ્ધ દંપતીને કોઈ સંતાન ન હોવાથી તેમની ઉંમર અને પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી, અનુજ પોતાની પત્ની સાથે તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા પણ લઈ ગયો હતો અને તેમનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કરી લીધો હતો.

વૃદ્ધ દંપતીનો વિશ્વાસ જીતી લીધા બાદ અનુજ પ્રકાશે તેમને નિવૃત્તિ પછી નિયમિત પેન્શનની આવક મેળવવા માટે એસ.આઈ.પી.માં રોકાણ કરવા અને દુબઈના ગોલ્ડન વિઝા મેળવવાની લાલચ આપી હતી. તે પછી તેણે માર્ચ 2025થી જૂન 2025 દરમિયાન વિઝા પ્રોસેસિંગ ફી અને એસઆઈપીના નામે ફરિયાદી અને તેમના પત્નીના એચડીએફસી તેમજ એક્સિસ બેંકના ખાતાઓમાંથી ઓનલાઈન બેંકિંગ અને આરટીજીએસ મારફતે કુલ રૂૂ. 6,58,564 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત, દુબઈ ગોલ્ડન વિઝાની ફી પેટે રૂૂ. 6 લાખ રોકડા અને એસઆઈપીમાં રોકાણ કરવા માટે ફરિયાદીના સાળા પાસેથી મેળવેલા રૂૂ. 5 લાખ મળીને કુલ રૂૂ. 11,00,000 રોકડા પણ મેળવી લીધા હતા. ભાડે રહેતો ફ્લેટ પોતે જ ખરીદી લેવાના બહાને અનુજે રૂૂ. 5 લાખનો ઇન્ડસઇન્ડ બેંકનો ચેક પણ આપ્યો હતો, જે બેંકમાં જમા કરાવતા ડિસઓનર થઈને પરત ફર્યો હતો.

આરોપી અનુજ પ્રકાશે ફરિયાદી પાસેથી રૂૂ. 6,58,564 ઓનલાઈન તથા રૂૂ. 11,00,000 રોકડા મળીને કુલ રૂૂ. 17,58,564 કપટપૂર્વક મેળવી લીધા હતા, પરંતુ તેણે ન તો કોઈ એસઆઈપી કરાવી કે ન તો દુબઈના વિઝા અપાવ્યા હતા. જુલાઈ 2025માં આરોપી મકાનમાલિકને કશી જ જાણ કર્યા વિના ભાડાનો ફ્લેટ ખાલી કરીને સામાન સાથે રાતોરાત ફરાર થઈ ગયો હતો અને પોતાના સંપર્ક નંબરો પણ બંધ કરી દીધા હતા.
નાણાં પરત મેળવવાની તમામ આશાઓ પૂર્ણ થયા બાદ અને આરોપી સાથે સંપર્ક ન થતાં ચીમનલાલ પટેલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી. આ અરજીની પ્રાથમિક તપાસના આધારે પોલીસે આરોપી અનુજ પ્રકાશ ઓમપ્રકાશલાલ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ ગુનો નોંધી તપાસ અધિકારી પીએસઆઈ રોહિત રણમલભાઈ કોઠિયાએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *