મહેસૂલી કર્મચારીઓ દ્વારા માસ સીએલના કાર્યક્રમ અને અચોક્કસ મુદતની હડતાલમાં નાગરિકોને ભારે હાલાકી બાદ સરકારી તંત્રની ઊંઘ ઊડી હતી અને કર્મચારી મહામંડળ સાથે સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કલાકો સુધી બેઠક યોજાઈ હતી. જો કે, રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બેઠકમાં કોઈ નિવેડો આવ્યો ન હોવાથી હડતાલ યથાવત્ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ, જમીનની માપણી કરતા કર્મચારીઓના અન્ય સંગઠન રાજ્ય લેન્ડ રેકર્ડ કર્મચારી મંડળે હડતાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
મહેસૂલ વિભાગના કર્મીઓની સતત હડતાલના કારણે આજે પણ જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદારની કચેરીઓમાં કામગીરી ખોરવાઈ ગઈ હતી. જેના કારણે સચિવાલયમાં બે કર્મચારી મંડળના હોદ્દેદારોને બોલાવાયા હતા અને પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બપોરથી શરૂૂ થયેલી બેઠક સાંજ સુધી ચાલી હતી.બેઠક વિશે મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે કહ્યું હતું કે, બેઠક યોજાઈ હતી પરંતુ તમામ મુદ્દે ઉકેલ ન આવતા ચર્ચા આજે પણ આગળ ધપાવવામાં આવશે. હાલ સમાધાન થયું નથી એટલે હડતાલ ચાલુ રાખવાનું એલાન પણ યથાવત છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ પર ઉતરેલા મહેસૂલ કર્મચારીઓ દ્વારા આજે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલા પૂર્વ મામલતદાર કચેરીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હડતાળ પર બેઠેલા મહેસૂલ કર્મચારીઓએ સ્વયં રક્તદાન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.મહેસૂલ કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર બેઠા છે. આ દરમિયાન આજે કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજીને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. હડતાળના સ્થળે જ રક્તદાન કેમ્પનું આયોજન કરીને કર્મચારીઓએ માનવસેવાનો સંદેશ આપ્યો હતો.
