ક્રિકેટમાં સિલેકટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે

સુરત ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસો.માં ભવાડા, મહિલા ક્રિકેટરને કોચ દ્વારા પરેશાનીનો આક્ષેપ સુરતના રમત જગતમાં ચાલતી ગંદી રાજનીતિ અને આંતરિક ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી…

સુરત ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસો.માં ભવાડા, મહિલા ક્રિકેટરને કોચ દ્વારા પરેશાનીનો આક્ષેપ

સુરતના રમત જગતમાં ચાલતી ગંદી રાજનીતિ અને આંતરિક ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ વખતે ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિ અને મહિલા સુરક્ષા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને લઈને ભારે હોબાળો મચ્યો હતો. 200થી વધુ સભ્યોની હાજરીમાં મળેલી આ બેઠકમાં સૌથી ગંભીર આક્ષેપ થયો હતો કે, સંસ્થાના એક કોચે મહિલા ખેલાડીને ટીમમાં પસંદગી માટે ’રાત્રે ચેટિંગ’ કરવાની માગણી કરી હતી. બીજી તરફ, એસોસિએશનના સેક્રેટરીએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કડક તપાસની ખાતરી આપી છે.

એસડીસીએના સભ્ય પ્રતીક શાહે સામાન્ય સભામાં ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એક કોચ દ્વારા મહિલા ખેલાડીને મેસેજ કરાયો હતો કે ’જો સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે.’ આ ગંભીર બાબત સેક્રેટરીના ધ્યાને હોવા છતાં સંબંધિત કોચને બચાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમની પાસે ક્રિકેટ પ્રશાસનની ગેરરીતિઓના પુરાવા અને ફોન રેકોર્ડિંગ્સ આવ્યા છે, જેને તેઓ યોગ્ય તપાસ માટે ટૂંક સમયમાં પોલીસ સમક્ષ રજૂ કરશે.

વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ઓડિટ રિપોર્ટમાં ટેન્ડરિંગ ન થયું હોવા અંગે ઓડિટર દ્વારા કરાયેલી ગંભીર નોંધ મુખ્ય મુદ્દો છે. તેમણે જણાવ્યું કે, ઈંજઙક સાથે કોઈ ઔપચારિક કોન્ટ્રાક્ટ થયો ન હોવા છતાં વહીવટ કરાયો છે અને કોઈ પણ ઈનવોઈસ વિના સેક્રેટરીના અંગત ઈ-મેઈલ મારફતે વ્યવહારો કરીને SOPનું ઉલ્લંઘન કરાયું છે. 5 કરોડ રૂૂપિયાની માગણી સામે સંસ્થામાં માત્ર 2.5 કરોડ આવ્યા છે અને તેને આખરી પેમેન્ટ ગણાવાયું છે. આ ઉપરાંત ક્રિકેટ સેક્રેટરી, હેડ કોચ અને સિલેક્ટરો પોતાની અંગત એકેડેમી ચલાવતા હોવાથી હિતોનો ખુલ્લો ટકરાવ સર્જાઈ રહ્યો છે.

મહિલા ખેલાડી સાથેના ચેટિંગના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે AGMદરમિયાન પહેલીવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આજદિન સુધી કોઈપણ ખેલાડી કે વાલી તરફથી આવી કોઈ ફરિયાદ મળી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આવી બાબતો સામે સંસ્થાની નીતિ ‘ઝીરો ટોલરન્સ’ની છે. અમારી ટીમમાં મહિલા કોચ કાર્યરત છે અને ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી હેઠળ કામ થાય છે. જો કોઈ નક્કર પુરાવા મળશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

બહારથી આવતા ખેલાડીઓના કારણે સ્થાનિક ક્રિકેટરોને અન્યાય
સામાન્ય સભામાં એક ખેલાડીના 2 અલગ-અલગ જન્મ તારીખ ધરાવતા પ્રમાણપત્રોનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પ્રતીક શાહના જણાવ્યા મુજબ સુરતમાં 150થી 200 જેટલી એકેડેમીઓમાં 50થી 60 હજાર યુવાનો તાલીમ લઈ રહ્યા છે. જોકે, બહારથી આવતા ડોમિસાઇલ વગરના અને ઓવરએજ ખેલાડીઓને કારણે દર વર્ષે 1,000થી 1,500 સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓ અન્યાયનો ભોગ બને છે. ભૂતકાળમાં રણજી ટ્રોફીમાં સુરતના 7-8 ખેલાડીઓ રમતા હતા જ્યારે આજે 50 લાખની વસ્તી ધરાવતા શહેરમાંથી કોઈ ખેલાડી આગળ આવી શકતો નથી. તેમણે સિલેક્શન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ટ્રાયલ મેચોનું સ્કોરિંગ ફરજિયાત ઓનલાઇન કરવાની માગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *