ગુજરાતમાં સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે નેશનલ હબ બન્યું છે.એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં મહત્વનાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે અને યુવાનો માટે કારકિર્દીના નવાં દ્વારો ખુલ્યા છે.સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડના માધ્યમથી ગુજરાતે પોતાનું મજબૂત એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કર્યું છે. સિવિલ એવિએશન વિભાગ દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ થકી ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેના ઇઝેશનનો વિકાસ કરી રહ્યું છે.
હાલમાં રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે.તેમાંથી ચાર રાજ્ય માલિકીની મહેસાણા અને અમરેલી એરસ્ટ્રિપો પર કાર્યરત છે જ્યારે એક FTO ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર ભાવનગર એરપોર્ટ ખાતે કાર્યરત છે.
વધુ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં કાર્યરત થશે.આ તમામ સંસ્થાઓ કાર્યરત થયા બાદ ગુજરાતમાં કુલ 10 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું નેટવર્ક હશે જે ગુજરાતને ભારતના સૌથી મોટા રાજ્યસ્તરીય પાઇલટ તાલીમ ઇકોસિસ્ટમમાંનું એકમ બનાવશે.ગુજરાતની ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનોએ સંયુક્ત રીતે અત્યાર સુધીમાં 5200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. 3200થી વધુ કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ ધારકો તૈયાર કર્યા છે અને 200થી વધુ ભાવિ પાઇલટોને તાલીમ આપી રહી છે.
આ માળખા હેઠળ રાજ્ય માલિકીના એરપોર્ટ અને એરસ્ટ્રિપો પર આશરે 1500 ચોરસ મીટર જમીન પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાત્ર ઓપરેટરોને ફાળવવામાં આવી છે.આ પહેલનો હેતુ કુશળ એવિએશન માનવબળ તૈયાર કરવાનો છે અને ખાનગી રોકાણ આકર્ષવાનો છે.ભારતનું સિવિલ એવિએશન ક્ષેત્ર વધતા પેસેન્જર ટ્રાફિક,ઉડાન યોજના હેઠળ પ્રાદેશિક કનેક્ટિવિટીના વિસ્તરણ અને સ્થાનિક એરલાઇનો દ્વારા મોટા પાયે નવા વિમાનોની ખરીદીના કારણે ઝડપથી વિકસી રહ્યું છે.
ભારતીય એરલાઇનોએ સંયુક્ત રીતે આશરે 1,700 નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેના પરિણામે આગામી વર્ષોમાં અંદાજે 25,000થી 30,000 કોમર્શિયલ પાઇલટોની માંગ ઊભી થવાની શક્યતા છે.આ ઉભરી રહેલી તકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ મારફતે વિશ્વસ્તરીય પાઇલટ તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
