હોર્ન મારવા બાબતે સાળા-બનેવી પર છરી અને પાઇપ વડે હુમલો

રાજકોટ શહેરના દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા અને ભંગાર બજારમાં છૂટક મજૂરી કામ કરતા 26 વર્ષીય શબીર વહાબભાઈ મીરજા નામના યુવક પર હોર્ન મારવા જેવી સાધારણ…

રાજકોટ શહેરના દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા અને ભંગાર બજારમાં છૂટક મજૂરી કામ કરતા 26 વર્ષીય શબીર વહાબભાઈ મીરજા નામના યુવક પર હોર્ન મારવા જેવી સાધારણ બાબતમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તારીખ 5 ઓક્ટોબર 2026ના રોજ રાત્રિના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં શબીર મીરજા તેમના સાળા આફતાબ સાથે પોતાના એક્ટિવા મોટરસાઇકલ પર રામનાથપરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન દાણાપીઠ પાસે આગળ જઈ રહેલા એક્સેસ મોટરસાઇકલને સાઇડ કાપવા માટે શબીરે હોર્ન માર્યો હતો. હોર્ન મારવા બાબતે ઉશ્કેરાઈ જઈ એક્સેસ ચાલક નિઝામ ગોરી નામના શખ્સે ગાડી ઊભી રાખી શબીર સાથે ગાળાગાળી કરી બોલાચાલી શરૂૂ કરી હતી.

બોલાચાલી વધી જતાં નિઝામ ગોરીની પાછળ બેઠેલી અજાણી સ્ત્રીએ પોતાના ફોનમાંથી અન્ય લોકોને સંપર્ક કરી સ્થળ પર બોલાવી લીધા હતા. થોડી જ વારમાં અબ્દુલભા, અબ્દુલ માજીદ ભાણું, એજાજ તથા અન્ય અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને શબીર પર તૂટી પડ્યા હતા. આ ટોળાએ શબીરને ઢીકાપાટુનો માર મારી નીચે પાડી દીધો હતો. તે દરમિયાન આરોપીઓમાંથી કોઈએ શબીરના વાંસાના ભાગે તથા માથાના ભાગે છરીના ઊંધા ઘા મારી ગંભીર મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના દરમિયાન શબીરના કાકાનો દીકરો સમીર ત્યાં આવી પહોંચતા તેણે વચ્ચે પડીને શબીરને વધુ મારમાંથી છોડાવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આટલેથી ન અટકતા, આરોપી નિઝામ ગોરી અને તેના સાગરીતોએ કેસરી હિંદ પુલ પાસે આવેલ રઝવી પાન નજીક ઉભા રહેલા શબીરના મામાના દીકરા ફૈઝલ અને તેના મિત્ર અફતાબ પર પણ હુમલો કર્યો હતો. આરોપીઓએ શબીર વિશે પૂછપરછ કરીને બંને યુવકોને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી તથા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અફતાબને હાથના અંગૂઠા પાસે ઈજા થઈ હતી, જ્યારે ફૈઝલને કપાળના ભાગે, હાથના અંગૂઠા પાસે અને પગના નરાના ભાગે છરી વડે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને યુવકોને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ સમગ્ર બનાવો અંગે શબીર વહાબભાઈ મીરજાની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસ મથકે નિઝામ ગોરી, એક અજાણી સ્ત્રી, અબ્દુલ, માજીદ ભાણું, એજાજ તથા અન્ય શખ્સો સામે વિવિધ કલમો 118(1), 115(2), 352, 189(2), 189(4), 191(2), 191(3), 190 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *